પાલનપુરમાં ડીપીથી વિજય ચોક સુધીનો ભંગાર રસ્તો: વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
પાલનપુર: પાલનપુર શહેરમાં ડીપીથી વિજય ચોક સુધી, માનસરોવર જવાના માર્ગે મંદિરથી વિજય ચોક સુધીનો રસ્તો લાંબા સમયથી ઉબડખાબડ અને ખાડાઓથી ભરેલો હોવાથી વાહનચાલકો, રાહદારીઓ, સ્થાનિક રહીશો તથા શાળાએ જતા વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
હાલમાં ઝરમરિયા વરસાદ વચ્ચે રસ્તા પર પડેલા નાના-મોટા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જતાં ખાડાઓનો અંદાજ ન આવવાથી વાહનચાલકોને અકસ્માતની ભીતિ સતાવી રહી છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે આ માર્ગ વધુ જોખમી બની રહ્યો છે.
આ માર્ગ પરથી સ્થાનિક રહીશો ઉપરાંત શાળાએ જતા વિદ્યાર્થીઓ, દર્શનાર્થીઓ તેમજ હાઈવે તરફ અવરજવર કરતા વાહનચાલકો મોટી સંખ્યામાં પસાર થાય છે. આગામી શ્રાવણ માસ દરમિયાન આ વિસ્તારમાં આવેલા મંદિરે શિવભક્તોની અવરજવર અને ભીડમાં વધારો થવાની શક્યતા હોવાથી રસ્તાની હાલતને લઈ ચિંતા વધુ વધી છે.
નગરસેવક દ્વારા પાલિકામાં લેખિત રજૂઆત
આ મામલે વિસ્તારના નગરસેવક આશાબેન રાવલે પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. નગરસેવકના જણાવ્યા મુજબ, રસ્તાના નવીનીકરણ માટે સંબંધિત એજન્સીને વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. ત્યારે આ રસ્તાની કામગીરી ઝડપી શરૂ કરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
સ્થાનિક રહીશો અને રાહદારીઓનું પણ કહેવું છે કે રસ્તાની હાલતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવે અને રસ્તાનું યોગ્ય રીતે નવીનીકરણ કરવામાં આવે, જેથી વાહનચાલકો અને રાહદારીઓને રાહત મળી શકે તેમજ અકસ્માતનું જોખમ ટાળી શકાય.
અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ
પવન એક્સપ્રેસ | પાલનપુર
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
