પાલનપુર નગરપાલિકામાં 20 વિવિધ કમિટીઓના ચેરમેન જાહેર

 

‘મલાઈદાર’ ગણાતી કમિટીઓ ન મળતા કેટલાક જૂના નગરસેવકોમાં ગણગણાટ

પાલનપુર: પાલનપુર નગરપાલિકામાં છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ કમિટીઓની રચનાને લઈને ચાલી રહેલી રાજકીય ગરમાગરમીનો આજે અંત આવ્યો હતો. ભાજપ શાસિત પાલિકામાં યોજાયેલી સાધારણ સભામાં વિવિધ 20 કમિટીઓના ચેરમેન પદની જાહેરાત કરવામાં આવી હતી. કમિટીઓના ચેરમેન જાહેર થતાં નગરસેવકોમાં ક્યાંક ખુશી તો ક્યાંક મનગમતી કમિટી ન મળતા ગણગણાટ જોવા મળ્યો હતો.

પાલનપુર નગરપાલિકાના સભાખંડમાં આજે સવારે 11 વાગ્યે સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં પાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ અને નગરસેવકોની ઉપસ્થિતિમાં વિવિધ 20 કમિટીઓના ચેરમેનના નામ એજન્ડા મુજબ વાંચવામાં આવ્યા હતા.

કમિટીઓની રચના અગાઉ પાલિકાના કેટલાક જૂના જોગી અને વરિષ્ઠ નગરસેવકો દ્વારા મહત્વની તથા ‘મલાઈદાર’ ગણાતી કમિટીઓના ચેરમેન પદ મેળવવા માટે દાવેદારી કરવામાં આવી હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી હતી. ખાસ કરીને ટાઉન પ્લાનિંગ, બાંધકામ, પાણી પુરવઠો, સેનેટરી અને સ્ટ્રીટ લાઈટ જેવી મહત્વની કમિટીઓ મેળવવા માટે કેટલાક નગરસેવકોએ મોવડીમંડળ સુધી રજૂઆતો કરી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું.

ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા મોવડીમંડળ સાથે વિચારવિમર્શ કર્યા બાદ કમિટીઓની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. અંતે આજે સાધારણ સભામાં એજન્ડા મુજબ વિવિધ કમિટીઓના ચેરમેનની જાહેરાત કરવામાં આવતા લાંબા સમયથી ચાલી રહેલી આતુરતાનો અંત આવ્યો હતો.

ચેરમેન પદની જાહેરાત બાદ કેટલાક નગરસેવકોએ એકબીજાને અભિનંદન પાઠવી ફૂલહાર પહેરાવી ખુશી વ્યક્ત કરી હતી. બીજી તરફ, મહત્વની કમિટી ન મળતા કેટલાક જૂના નગરસેવકોમાં અંદરખાને નારાજગી અને ગણગણાટ હોવાની ચર્ચા પણ રાજકીય વર્તુળોમાં જોવા મળી હતી.

વિપક્ષે વિકાસના મુદ્દે સત્તાપક્ષને ઘેર્યો

સાધારણ સભા દરમિયાન હાજર રહેલા કેટલાક વિપક્ષના નગરસેવકોએ પાલિકા શાસન સામે આક્ષેપો કર્યા હતા. વિપક્ષે જણાવ્યું હતું કે, શહેરના વિકાસ સહિતના અનેક પ્રાણપ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં ભાજપ શાસિત પાલિકા નિષ્ફળ રહી છે. શહેરમાં વિકાસના કામો અને નાગરિકોની સમસ્યાઓ અંગે સત્તાધીશોનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

વિવિધ કમિટીઓની રચના સાથે પાલનપુર નગરપાલિકાની રાજકીય હલચલને હાલ પૂરતો વિરામ મળ્યો છે. હવે નવી રચાયેલી કમિટીઓ શહેરના વિકાસ અને નાગરિકોના પ્રશ્નોના ઉકેલ માટે કેટલું અસરકારક કામ કરે છે, તેના પર પાલનપુરવાસીઓની નજર રહેશે.

અહેવાલ : ભીખાલાલ પ્રજાપતિ
પવન એક્સપ્રેસ


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading