છાપી બ્રહ્માકુમારી સેન્ટર ખાતે રક્ષાબંધન પર્વની ભવ્ય ઉજવણી
જીવનમાંથી બુરાઈઓ દૂર કરી પરમાત્માની શક્તિ મેળવવાનો સંદેશ અપાયો
છાપી | પવન એક્સપ્રેસ




પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના છાપી સેન્ટર ખાતે પવિત્ર રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ અને આધ્યાત્મિક માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહી કાર્યક્રમનો લાભ લીધો હતો.
કાર્યક્રમમાં પાલનપુરથી ખાસ પધારેલા આદરણીય રાજયોગી બ્રહ્માકુમારી ભારતીબેને ઉપસ્થિત સર્વે શ્રદ્ધાળુઓને રક્ષાબંધન પર્વની પવિત્ર શુભેચ્છાઓ પાઠવી હતી. પોતાના પ્રેરણાદાયી ઉદ્બોધનમાં તેમણે જણાવ્યું હતું કે રક્ષાબંધન માત્ર સુતરનો દોરો બાંધવાનો તહેવાર નથી, પરંતુ આત્મિક પવિત્રતા, સુરક્ષા અને પરમાત્મા સાથેના પવિત્ર સંબંધનું પ્રતીક છે.
તેમણે જણાવ્યું હતું કે આપણે સૌએ પોતાના જીવનમાંથી કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર સહિતની બુરાઈઓ અને વિકારોને દૂર કરી પરમાત્મા શિવની શક્તિ અને આશીર્વાદ પ્રાપ્ત કરવાનો સંકલ્પ કરવો જોઈએ.
આ પ્રસંગે આદરણીય રાજયોગી બ્રહ્માકુમારી રેણુકાબેને પણ પ્રાસંગિક પ્રવચન આપી સૌને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી હતી અને રાજયોગ તથા આધ્યાત્મિક જીવનના માર્ગ પર આગળ વધવા પ્રેરણા આપી હતી.
કાર્યક્રમના અંતે સેન્ટરના ભાઈ-બહેનોને ઈશ્વરીય સ્મૃતિ સાથે પવિત્ર રાખડી બાંધી મુખવાસરૂપ પ્રસાદ કરાવવામાં આવ્યો હતો. આ સાથે ભાઈ-બહેનના પવિત્ર સંબંધો, પ્રેમ, વિશ્વાસ અને પરમાત્મીય સુરક્ષાની ભાવનાને ઉજાગર કરવામાં આવી હતી.
રક્ષાબંધન પર્વની આ ભવ્ય ઉજવણીમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ આધ્યાત્મિક શક્તિ અને પવિત્રતાભર્યા જીવનનો સંકલ્પ લીધો હતો.
📸 તસ્વીર અહેવાલ: પુષ્કર ગોસ્વામી, વડગામ
📰 પવન એક્સપ્રેસ
સત્ય સાથે, સમાજના હિત માટે
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
