ગાદલવાડાના ભરત ચૌધરી હત્યા કેસમાં એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

પવન એક્સપ્રેસ

ગાદલવાડાના ભરત ચૌધરી હત્યા કેસમાં એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

પૈસાની લેતીદેતીમાં પતાવટ કરવા આવેલા યુવક પર 25 જેટલા શખ્સોએ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો

મર્ડર કેસમાં અગાઉ 24 આરોપીઓ ઝડપાઈ જેલહવાલે કરાયા હતા, એલસીબીની ટીમે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો

પાલનપુર: પાલનપુરમાં એક વર્ષ અગાઉ પૈસાની લેતીદેતીના મામલે થયેલા ચકચારી હત્યા કેસમાં એક વર્ષથી ફરાર આરોપીને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. ગાદલવાડા ગામના યુવક ભરતભાઈ ગણેશભાઈ ચૌધરીની હત્યાના આ કેસમાં અગાઉ પોલીસે 24 જેટલા આરોપીઓને ઝડપી પાડી જેલહવાલે કર્યા હતા. જ્યારે એક આરોપી છેલ્લા એક વર્ષથી પોલીસથી બચી ફરતો હતો, જેને એલસીબીની ટીમે માનવ સ્ત્રોત અને ટેકનિકલ માહિતીના આધારે ઝડપી પાડ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પાલનપુરના ભાર્ગવ ઉર્ફે લાલો મંડોરા (માળી) સહિતના શખ્સોએ ગાદલવાડા ગામના નીતિન કેશરભાઈ ચૌધરી સાથે પૈસાની લેતીદેતીના મામલે પતાવટ કરવાના બહાને તેને પાલનપુર બોલાવ્યો હતો. નીતિન પોતાના મિત્ર ભરતભાઈ ગણેશભાઈ ચૌધરી સાથે અમદાવાદ હાઇવે પર આવ્યો હતો.

આ દરમિયાન લાલા માળી સહિતના તેના સાગરીતોએ બંને યુવકો પર તલવાર, પાઇપ અને ધોકા સહિતના પ્રાણઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલામાં બંને યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાં ભરતભાઈ ચૌધરીનું મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે પોલીસે આશરે 25 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. તપાસ દરમિયાન અગાઉ 24 જેટલા આરોપીઓને ઝડપી પાડી જેલહવાલે કરવામાં આવ્યા હતા. જોકે આ કેસમાં સંડોવાયેલો અશ્વિન ઉર્ફે રાજુ શંકરભાઈ હીરાભાઈ પટેલ છેલ્લા એક વર્ષથી ફરાર હતો.

અશ્વિન ઉર્ફે રાજુ પટેલ પાલનપુરમાં જામપુરા પ્રાથમિક શાળાની બાજુમાં આવેલી આનંદનગર સોસાયટીમાં રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. એલસીબી પોલીસની ટીમે માનવ સ્ત્રોતો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન તેને ગઠામણ પાટિયા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપાયેલો આરોપી અગાઉ પણ જુદા જુદા આઠ જેટલા ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે તેની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading