📰 પવન એક્સપ્રેસ
પૂર્વ આચાર્ય બી.પી. ગોધા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને તિથિ ભોજન
શ્રી વી. જે. પટેલ હાઇસ્કૂલમાં ભોજન પ્રસાદ તથા સન્માન સમારોહ યોજાયો; શાળા પરિવાર દ્વારા પૂર્વ આચાર્ય અને પરિવારનું ભાવભર્યું સન્માન

તસવીર અહેવાલ : પુષ્કર ગોસ્વામી, વડગામ
વડગામ: પવિત્ર શ્રાવણ માસના ભક્તિમય વાતાવરણમાં શિક્ષણ, સંસ્કાર અને સેવાભાવનો સુંદર ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. વડગામની શ્રી વી. જે. પટેલ હાઇસ્કૂલ (પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ) ખાતે વિદ્યાર્થીઓ માટે તિથિ ભોજન પ્રસાદ તેમજ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંસ્થાના ભૂતપૂર્વ આચાર્યશ્રી ભગવાનભાઈ પી. ગોધા (બી.પી. ગોધા) તથા તેમના પરિવારના સૌજન્યથી શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસને અનુરૂપ પ્રાર્થના અને ભક્તિમય માહોલ વચ્ચે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
વર્ષો સુધી શાળા સાથે જોડાયેલા રહી શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર પૂર્વ આચાર્ય બી.પી. ગોધાએ નિવૃત્તિ બાદ પણ શાળાના વિદ્યાર્થીઓ અને સંસ્થા પ્રત્યેનો પોતાનો સ્નેહ, લાગણી અને સેવાભાવ જાળવી રાખ્યો છે. તેમના પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવવાની આ સેવા પ્રવૃત્તિના પગલે શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ સાથેનો તેમનો સ્નેહભર્યો નાતો વધુ ગાઢ બન્યો હતો.
તમામ વિદ્યાર્થીઓએ ભોજન પ્રસાદનો લીધો લાભ
તિથિ ભોજન પ્રસાદમાં શાળાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ભોજન પ્રસાદ ગ્રહણ કરી પૂર્વ આચાર્ય બી.પી. ગોધા તથા તેમના પરિવાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન બાળકોને ભોજન કરાવવાની આ સેવાપ્રવૃત્તિથી વિદ્યાર્થીઓમાં પણ સેવા, સંસ્કાર અને પરોપકારની ભાવના કેળવાય તેવો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.
પૂર્વ આચાર્ય બી.પી. ગોધા અને પરિવારનું સન્માન
આ પાવન પ્રસંગે મુખ્ય યજમાન તથા ઉપસ્થિત મહાનુભાવો પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં શાળાના પ્રમુખશ્રી રામજીભાઈ પટેલ, મંત્રીશ્રી લક્ષ્મણભાઈ સીરવી, ઉપપ્રમુખશ્રી જશુભાઈ રાવલ તેમજ કારોબારી સમિતિના સભ્યો સુરેશભાઈ બારોટ અને દલાભાઈ પુરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થાના હોદ્દેદારો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી તથા શાલ ઓઢાડીને ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય યજમાન અને સંસ્થાના પૂર્વ આચાર્યશ્રી બી.પી. ગોધા તથા તેમના પરિવારજનોનું શાળાના પ્રમુખશ્રી રામજીભાઈ પટેલના હસ્તે શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
નિવૃત્તિ બાદ પણ વિદ્યાર્થીઓ પ્રત્યેનો સેવાભાવ પ્રેરણાદાયી : રામજીભાઈ પટેલ
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી રામજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, “નિવૃત્તિ બાદ પણ શાળાના બાળકો પ્રત્યે મમતા, લાગણી અને સેવાભાવ જાળવી રાખવો એ અત્યંત પ્રશંસનીય બાબત છે. બી.પી. ગોધાનો સંસ્થા પ્રત્યેનો પ્રેમ અને સમર્પણ સૌ માટે પ્રેરણાદાયી છે. પવિત્ર શ્રાવણ માસમાં બાળકોને ભોજન કરાવવું એ એક ઉત્તમ સત્કાર્ય છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે શિક્ષણ સંસ્થાઓ માત્ર શિક્ષણ પૂરતું કાર્ય કરતી નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને સેવાભાવનું સિંચન કરવાની પણ જવાબદારી નિભાવે છે. આવા સેવાકીય કાર્યક્રમો વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બને છે.
પૂર્વ આચાર્યએ જૂની યાદોને વાગોળી
કાર્યક્રમના અંતે પૂર્વ આચાર્યશ્રી બી.પી. ગોધાએ શાળા સાથે જોડાયેલી વર્ષો જૂની યાદોને વાગોળી હતી. શાળામાં પોતાના કાર્યકાળ દરમિયાનના અનુભવો અને વિદ્યાર્થીઓ સાથેના આત્મીય સંબંધોને યાદ કરતાં તેમણે લાગણીસભર વાતો કરી હતી.
સંસ્થાના ટ્રસ્ટી મંડળ, હોદ્દેદારો અને શિક્ષક પરિવાર દ્વારા કરવામાં આવેલા ભાવભર્યા સન્માન બદલ તેમણે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ ભવિષ્યમાં પણ સંસ્થા અને વિદ્યાર્થીઓ સાથે પોતાનો સ્નેહ અને સહયોગ જળવાઈ રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
સમગ્ર કાર્યક્રમ ભાવસભર, ભક્તિમય અને આહલાદક વાતાવરણમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને કર્મચારીઓએ સુંદર આયોજન કરી ભારે જહેમત ઉઠાવી હતી.
— પવન એક્સપ્રેસ
તસવીર અહેવાલ : પુષ્કર ગોસ્વામી, વડગામ
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
