રક્ષાબંધન પૂર્વે બનાસની પશુપાલક બહેનોને ઐતિહાસિક ભેટ: બનાસ ડેરી દ્વારા રૂ. 2,946.77 કરોડનો ભાવફેર જાહેર — પશુપાલકોમાં દિવાળી જેવો માહોલ

પવન એક્સપ્રેસ

રક્ષાબંધન પૂર્વે બનાસની પશુપાલક બહેનોને ઐતિહાસિક ભેટ

બનાસ ડેરી દ્વારા રૂ. 2,946.77 કરોડનો ભાવફેર જાહેર — પશુપાલકોમાં દિવાળી જેવો માહોલ

સણાદર, વાવ-થરાદ | તા. 27:
એશિયાની સૌથી મોટી સહકારી ડેરી તરીકે ઓળખાતી બનાસ ડેરીની 58મી વાર્ષિક સાધારણ સભા વાવ-થરાદ જિલ્લાના સણાદર ડેરી પ્લાન્ટ ખાતે ઉત્સાહ અને હર્ષોલ્લાસભર્યા માહોલમાં યોજાઈ હતી. બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સભામાં ડિરેક્ટર મંડળ, અધિકારીઓ-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં પશુપાલકો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

આ વાર્ષિક સભામાં પશુપાલકોના હિતમાં બનાસ ડેરી દ્વારા 18.04 ટકા લેખે કુલ રૂ. 2,946.77 કરોડનો ઐતિહાસિક ભાવફેર ચૂકવવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં સંઘનો ભાવફેર રૂ. 2,239.27 કરોડ તથા દૂધ મંડળીઓનો ભાવફેર રૂ. 707.50 કરોડનો સમાવેશ થાય છે. ભાવફેરની આ ઐતિહાસિક જાહેરાત થતાં જ બૃહદ બનાસકાંઠા સહિત બનાસ ડેરીના કાર્યક્ષેત્રમાં આવતા લાખો પશુપાલક પરિવારોમાં આનંદની લાગણી પ્રસરી હતી.

રક્ષાબંધન પહેલાં પશુપાલક બહેનોને મોટી ભેટ

રક્ષાબંધન પર્વની પૂર્વસંધ્યાએ બનાસ ડેરી દ્વારા જાહેર કરાયેલા આ ઐતિહાસિક ભાવફેરને પશુપાલક પરિવારો માટે મોટી ભેટ માનવામાં આવી રહી છે. ખાસ કરીને દૂધ ઉત્પાદન અને પશુપાલન સાથે જોડાયેલી ગ્રામ્ય વિસ્તારની બહેનો માટે આ નિર્ણય તેમની આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવનાર બની રહેશે.

ભાવફેરની જાહેરાત બાદ પશુપાલક બહેનોએ ખુશી વ્યક્ત કરી હતી અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીને સ્નેહપૂર્વક રાખડી બાંધી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. પશુપાલકોના હિતમાં લેવામાં આવેલા આ નિર્ણય બદલ બહેનોએ બનાસ ડેરીના નેતૃત્વ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

8 ગામથી શરૂ થયેલી દૂધ ક્રાંતિ આજે દેશના અનેક રાજ્યોમાં

આ પ્રસંગે ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ બનાસ ડેરીની વિકાસયાત્રા અંગે જણાવ્યું હતું કે, બનાસ ડેરીના આદ્યસ્થાપક સ્વ. ગલબાકાકાએ છેવાડાના ગામની વિધવા બહેન પણ સ્વમાનભેર જીવન જીવી શકે તેવા ઉમદા વિચાર સાથે માત્ર 8 ગામથી દૂધ ક્રાંતિનો પ્રારંભ કર્યો હતો. આજે આ દૂધ ક્રાંતિ દેશના 8થી વધુ રાજ્યો સુધી પહોંચી છે.

તેમણે જણાવ્યું હતું કે, બનાસ ડેરીની સફળતા પાછળ લાખો પશુપાલકોની એકતા અને અતૂટ વિશ્વાસ, ડિરેક્ટર મંડળનું માર્ગદર્શન તેમજ અધિકારીઓ અને કર્મચારીઓની રાત-દિવસની મહેનત રહેલી છે. દેશ-વિદેશના અગ્રણી ઉદ્યોગપતિઓ અને નિષ્ણાતોના માર્ગદર્શનથી વ્યાવસાયિક સંસ્કૃતિ વિકસાવી બનાસ ડેરીએ છેલ્લા 10થી 12 વર્ષ દરમિયાન વાર્ષિક ટર્નઓવર રૂ. 3થી 4 હજાર કરોડમાંથી વધારીને રૂ. 24,000 કરોડની નવી ઊંચાઈ સુધી પહોંચાડ્યો છે.

પશુપાલકોના ખાતામાં દર મહિને રૂ. 1,422 કરોડની દૂધ આવક

ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોની આર્થિક સમૃદ્ધિમાં બનાસ ડેરીની મહત્વપૂર્ણ ભૂમિકા છે. વર્ષ 2000માં જિલ્લામાં પશુપાલકોને દર મહિને આશરે રૂ. 20 કરોડની દૂધની આવક થતી હતી. વર્ષ 2014માં આ આંકડો વધીને રૂ. 287 કરોડ થયો હતો, જ્યારે આજે 25 વર્ષ બાદ દર મહિને રૂ. 1,422 કરોડ સીધા પશુપાલકોના ખાતામાં જમા થાય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પશુપાલકોની મહેનતથી બનાસ ડેરીની સંપત્તિમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2000માં સંસ્થાની કુલ સંપત્તિ રૂ. 78 કરોડ અને 278 વીઘા જમીન હતી. વર્ષ 2014માં સંપત્તિ રૂ. 865 કરોડ થઈ હતી, જ્યારે આજે સંસ્થાની સંપત્તિ વધીને રૂ. 5,002 કરોડ અને જમીન 860 વીઘા થઈ છે. આ સંપત્તિના સાચા માલિક પશુપાલક પરિવારો હોવાનું તેમણે જણાવ્યું હતું.

નાણાકીય શિસ્તથી ‘ટ્રિપલ-એ’ રેટિંગ

બનાસ ડેરીએ નાણાકીય શિસ્ત અને વ્યવસ્થાપનના ક્ષેત્રે પણ નોંધપાત્ર સિદ્ધિ મેળવી હોવાનું ચેરમેનશ્રીએ જણાવ્યું હતું. દેશની ખાનગી તથા સહકારી ફૂડ પ્રોસેસિંગ સંસ્થાઓમાં સર્વોચ્ચ ‘ટ્રિપલ-એ’ (AAA) રેટિંગ મેળવનારી ભારતની પ્રથમ સંસ્થા બનવાનું ગૌરવ બનાસ ડેરીને પ્રાપ્ત થયું હોવાનું તેમણે જણાવ્યું હતું.

નવા પ્રકલ્પોથી બનાસ ડેરીની વિકાસયાત્રાને વેગ

બનાસ ડેરી દ્વારા હાથ ધરવામાં આવેલા નવા પ્રકલ્પોની માહિતી આપતાં ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, સણાદર ખાતે 150 મેટ્રિક ટન ક્ષમતાનો દૂધ પાવડર પ્લાન્ટ તૈયાર થઈ રહ્યો છે. આ પ્લાન્ટ કાર્યરત થયા બાદ દૂધની ઉપલબ્ધતાના આધારે ‘મિલ્ક હોલિડે’ની સ્થિતિ ટાળવામાં મદદ મળશે.

ખેડૂતોના હિતમાં બટાકા પ્રોસેસિંગ પ્લાન્ટની ક્ષમતા 50 ટનથી વધારીને 150 ટન કરવામાં આવી છે. બાદરપુરા ખાતે રાયડો અને મગફળીમાંથી 100 ટકા શુદ્ધ કાચી ઘાણીનું તેલ બનાવવાનો પ્લાન્ટ પણ કાર્યરત કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ભીલડી ખાતે આકાર લઈ રહેલું બનાસ બોવાઇન રિસર્ચ સેન્ટર (BBRC) પણ પશુઓની ઓલાદ સુધારણા અને દૂધ ઉત્પાદન વધારવાના ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. બ્રાઝિલ, અમેરિકા અને ઇઝરાયલની અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી આગામી વર્ષોમાં પશુઓની ઓલાદ સુધારી ઓછા પરિશ્રમે વધુ દૂધ ઉત્પાદન મેળવવાનો હેતુ છે.

દેશના વિવિધ વિસ્તારોમાં બનાસ ડેરીનો વિસ્તાર

બનાસ ડેરીની વિસ્તરતી વિકાસયાત્રાનો ઉલ્લેખ કરતાં ચેરમેનશ્રીએ પાલનપુર ઉપરાંત સણાદર, બાદરપુરા, ફરીદાબાદ, કાનપુર, લખનઉ અને વારાણસી ખાતેના પ્રકલ્પોની માહિતી આપી હતી. આગામી સમયમાં દિલ્હી નજીક બાગપત ખાતે 15 લાખ લિટર દૈનિક ક્ષમતાવાળા સંકુલના નિર્માણની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર હોવાનું તેમણે જણાવ્યું હતું.

બનાસના યુવાનો માટે ‘બનાસ કરિયર એકેડેમી’

બનાસ ડેરી માત્ર પશુપાલન અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે જ નહીં, પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વના ક્ષેત્રે પણ વિવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે. યુવાનો UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થાય તે માટે ગાંધીનગર ખાતે ગલબાબાઈ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત ‘બનાસ કરિયર એકેડેમી’ કાર્યરત છે.

અહીં વરિષ્ઠ IAS અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 9 વિદ્યાર્થીઓ સરકારી સેવામાં જોડાયા છે, જ્યારે 76 વિદ્યાર્થીઓએ પ્રિલિમ પરીક્ષા પાસ કરી હોવાનું જણાવાયું હતું.

શ્રેષ્ઠ પશુપાલક બહેનોનું સન્માન

વાર્ષિક સાધારણ સભા દરમિયાન વર્ષ દરમિયાન દૂધ ઉત્પાદનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટોપ-10 મહિલા પશુપાલકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ પશુપાલક બહેનોને પ્રશસ્તિપત્ર આપી તેમની મહેનતને બિરદાવવામાં આવી હતી.

ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, બનાસ ડેરીની સમગ્ર પ્રગતિ અને સિદ્ધિઓ લાખો દૂધ ઉત્પાદક માતા-બહેનોના પરિશ્રમનું પરિણામ છે. પશુપાલકોના હિતમાં જાહેર કરવામાં આવેલ રૂ. 2,946.77 કરોડનો ઐતિહાસિક ભાવફેર પણ આ મહેનતને સન્માનપૂર્વક સમર્પિત છે.

ભાવફેરની જાહેરાત થતાં જ ઉપસ્થિત હજારો પશુપાલકોએ તાળીઓના ગડગડાટથી નિર્ણયને વધાવી લીધો હતો અને બનાસ ડેરીના નેતૃત્વ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે રાજ્ય મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વસંતભાઈ પુરોહિત, ધારાસભ્યો શ્રી લવિંગજી ઠાકોર, શ્રી કેશાજી ચૌહાણ, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, પૂર્વ મંત્રીશ્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, સહકારી આગેવાનો, અધિકારીઓ, બનાસ ડેરીનું નિયામક મંડળ તેમજ મોટી સંખ્યામાં પશુપાલકો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.


બોક્સ સ્ટોરી

ભાવવધારાની ખુશીમાં પશુપાલક બહેનોએ ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીને બાંધી રાખડી

સણાદર: પવિત્ર રક્ષાબંધન પર્વ પૂર્વે બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે રૂ. 2,946.77 કરોડના ઐતિહાસિક ભાવફેરની જાહેરાત કરવામાં આવતાં બૃહદ બનાસકાંઠાની પશુપાલક બહેનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

પશુપાલન ક્ષેત્રમાં મહિલાઓના યોગદાનને ધ્યાનમાં રાખીને મળેલી આ આર્થિક ભેટથી ગ્રામ્ય પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે પશુપાલક બહેનોએ બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીને સ્નેહપૂર્વક રાખડી બાંધી હતી.

રક્ષાબંધન પૂર્વે મળેલી આ અનમોલ ભેટ બદલ બહેનોએ બનાસ ડેરીના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો અને પશુપાલકોના હિતમાં ભવિષ્યમાં પણ આવી જ લોકહિતલક્ષી કામગીરી ચાલુ રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.

પવન એક્સપ્રેસ — જનહિતના સમાચારને જનજન સુધી પહોંચાડતું વિશ્વસનીય માધ્યમ


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading