બનાસકાંઠાના તમામ ખાંડ વેપારીઓ માટે મહત્વપૂર્ણ સૂચના: પોર્ટલ પર સ્ટોક જાહેર કરવો ફરજિયાત
ખાંડની સંગ્રહખોરી અને કાળાબજારી રોકવા તંત્રની કડક કાર્યવાહી; ૩૦ દિવસથી વધુ સ્ટોક નહીં રાખી શકાય, મહત્તમ ૪,૦૦૦ ક્વિન્ટલની મર્યાદા
પવન એક્સપ્રેસ | પાલનપુર
પાલનપુર, તા. ૨૭ ઓગસ્ટ: બનાસકાંઠા જિલ્લામાં ખાંડની સંગ્રહખોરી અને કાળાબજારીને અટકાવવા જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ખાંડના વેપારીઓ માટે સ્ટોક મર્યાદા અંગેની માર્ગદર્શિકાનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા તા. ૨૮ જુલાઈ, ૨૦૨૬ના હુકમથી ખાંડના જથ્થા અંગે સ્ટોક મર્યાદા નક્કી કરવામાં આવી હતી. જેના અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા તા. ૨૭ ઓગસ્ટ, ૨૦૨૬ના હુકમથી રાજ્યમાં નિયત સ્ટોક મર્યાદાનો અમલ કરવામાં આવ્યો છે.
૩૦ દિવસથી વધુ ખાંડનો સ્ટોક રાખી શકાશે નહીં
જિલ્લા પુરવઠા અધિકારી, બનાસકાંઠા, પાલનપુરની અખબારી યાદી મુજબ, જિલ્લાના તમામ ખાંડના વેપારીઓએ ખાંડનો જથ્થો પ્રાપ્ત થયાની તારીખથી ૩૦ દિવસથી વધુ સમય સુધી સ્ટોકમાં રાખી શકાશે નહીં.
આ ઉપરાંત રાજ્યમાં કોઈપણ સમયે અને કોઈપણ સ્થળે ૪,૦૦૦ ક્વિન્ટલથી વધુ ખાંડનો જથ્થો સ્ટોકમાં રાખી શકાશે નહીં.
પોર્ટલ પર સ્ટોકની વિગતો જાહેર કરવી ફરજિયાત
તમામ ખાંડના વેપારીઓએ ભારત સરકારના foodstock.dfpd.gov.in પોર્ટલ પર પોતાના ખાંડના સ્ટોકની સ્થિતિ ફરજિયાતપણે જાહેર કરવાની રહેશે. તેમજ સ્ટોકની વિગતો નિયમિત રીતે અપડેટ કરવાની રહેશે.
જિલ્લામાં ૫ ટીમો દ્વારા ૧૫ સ્થળે તપાસ
સ્ટોક મર્યાદાના અમલની કામગીરીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં ખાંડના વેપારીઓના વ્યવસાયિક સ્થળોની તપાસ માટે કુલ ૫ ટીમોની રચના કરવામાં આવી હતી. આ ટીમો દ્વારા જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં ખાંડના વેપારીઓના ધંધાકીય સ્થળોએ કુલ ૧૫ તપાસણીઓ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન વેપારીઓ પાસે રહેલો ખાંડનો જથ્થો નિયત મર્યાદામાં હોવાનું જણાયું હતું. વેપારીઓએ તપાસણી ટીમોને જરૂરી સહકાર આપવા જિલ્લા તંત્ર દ્વારા જણાવાયું છે.
કાળાબજારી કે સંગ્રહખોરી જણાય તો જાણ કરવા અપીલ
જિલ્લામાં ખાંડના જથ્થાની સંગ્રહખોરી અથવા કાળાબજારી થતી જણાય તો નાગરિકો અને વેપારીઓએ સંબંધિત મામલતદારશ્રી અથવા જિલ્લા પુરવઠા કચેરીનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
જિલ્લા પુરવઠા તંત્ર તથા તાલુકા કક્ષાની તપાસણી ટીમો દ્વારા ખાંડના સ્ટોક મર્યાદાના નિયમોનું પાલન થાય તે માટે જિલ્લામાં સઘન અને સતત તપાસણી હાથ ધરવામાં આવશે.
તમામ ખાંડના વેપારીઓને સરકાર દ્વારા નિયત કરવામાં આવેલી સ્ટોક મર્યાદાનું ચુસ્તપણે પાલન કરવા તેમજ પોર્ટલ પર સ્ટોકની વિગતો નિયમિતપણે અપડેટ કરવા જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
