સિદ્ધપુરમાં પરંપરાગત કાર્તિક પૂર્ણિમાનો મેળો ક્યાં ભરાશે?
રિવરફ્રન્ટના કામ વચ્ચે મેળાના સ્થળને લઈને અસમંજસ : તંત્ર સ્પષ્ટતા કરે તેવી લોકમાંગ
પવન એક્સપ્રેસ | સિદ્ધપુર
સિદ્ધપુર: પૌરાણિક આસ્થા, પરંપરા અને સામાજિક એકતાનું પ્રતીક ગણાતો સિદ્ધપુરનો પરંપરાગત કાર્તિક પૂર્ણિમાનો લોકમેળો આ વર્ષે ક્યાં યોજાશે? તે અંગે હજુ સુધી સ્પષ્ટતા ન થતાં વેપારીઓ, શ્રમિકો, નગરજનો અને મેળામાં આવનારા શ્રદ્ધાળુઓમાં ભારે અસમંજસ જોવા મળી રહ્યો છે. મેળાનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે નગરપાલિકા તંત્ર અથવા રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ચોખવટ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
સદીઓ જૂની આસ્થા સાથે જોડાયેલો મેળો
સિદ્ધપુરની સરસ્વતી નદીના તટ સાથે કાર્તિક પૂર્ણિમાની આસ્થા સદીઓથી જોડાયેલી છે. પૌરાણિક માન્યતા મુજબ કાર્તિક પૂર્ણિમાના દિવસોમાં સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના તટે ત્રિવેણી સંગમ થાય છે, જેમાં સરસ્વતી પ્રત્યક્ષ તથા ગંગા-યમુના અદૃશ્ય સ્વરૂપે સંગમ કરે છે તેવી શ્રદ્ધા છે.
આ પવિત્ર સ્થળે દૂરદૂરથી હજારો સનાતની પરિવારો આવી પિતૃતર્પણ, પિંડદાન અને પૂજાવિધિ કરે છે. આ ધાર્મિક આસ્થા સાથે જ કાર્તિક પૂર્ણિમાનો ભાતીગળ લોકમેળો પણ સિદ્ધપુરની આગવી ઓળખ બની ગયો છે.
મેળો માત્ર મનોરંજન નહીં, હજારો લોકોની રોજગારીનું માધ્યમ
હાલના મુક્તિધામની આગળના મેદાનમાં દાયકાઓથી મેળો યોજાતો આવ્યો છે. મેળામાં ચકડોળ, ચકરડી સહિત વિવિધ મનોરંજનનાં સાધનો ઉપરાંત અનેક પ્રકારના સ્ટોલ અને વેપાર-ધંધા થાય છે.
સિદ્ધપુર પંથક ઉપરાંત દેશના વિવિધ વિસ્તારોમાંથી નાના-મોટા વેપારીઓ અને શ્રમિકો મેળામાં રોજગારી માટે આવે છે. અનેક પરિવારો માટે આ મેળો વર્ષભરની આવકનો મહત્વનો સ્ત્રોત બની રહે છે. મેળા દરમિયાન કરોડો રૂપિયાનો વેપાર-વહીવટ થતો હોવાનો અંદાજ છે.
મેળામાં માલધારી સમાજ સહિત વિવિધ સમાજના લોકો પણ પિતૃતર્પણ સાથે સામાજિક મેળાપ માટે મોટી સંખ્યામાં જોડાય છે.
નગરપાલિકા દ્વારા સુવિધાઓ, હંગામી પ્લોટની હરાજી
મેળા દરમિયાન નગરપાલિકા દ્વારા સાફ-સફાઈ, સ્ટ્રીટ લાઈટ, પાણી સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ માટે હંગામી પ્લોટની હરાજી તેમજ વ્યવસાયિકો પાસેથી જગ્યાના માપ પ્રમાણે વિકાસફાળો વસૂલવામાં આવતો હોવાનું જણાવાય છે.
જોકે, આ વ્યવસ્થામાં ગેરરીતિ અને પારદર્શિતાને લઈને અગાઉ પણ અનેક ફરિયાદો ઉઠતી રહી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. મેળાની આવક અને ખર્ચના હિસાબને લઈને પણ વર્ષોથી સવાલો ઉઠતા આવ્યા છે અને મામલો રાજ્ય સરકારથી લઈને હાઈકોર્ટ સુધી પહોંચ્યો હોવાની ચર્ચા છે.
રિવરફ્રન્ટના કામથી મૂળ મેળાના સ્થળ અંગે સવાલ
હાલ સિદ્ધપુરમાં ધારાસભ્યશ્રીના પ્રયાસો તથા રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી મહત્વાકાંક્ષી સરસ્વતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. ભવિષ્યમાં સિદ્ધપુરને નવી ઓળખ અપાવનાર આ વિકાસકાર્ય હાલ જે સ્થળે ચાલી રહ્યું છે તે જ વિસ્તાર પરંપરાગત મેળાના આયોજન માટે વર્ષોથી ઉપયોગમાં લેવાતો રહ્યો છે.
આથી ચાલુ વર્ષે તથા આગામી વર્ષોમાં પણ મેળો તેની મૂળ જગ્યાએ યોજી શકાશે કે નહીં તે અંગે લોકોમાં પ્રશ્નો ઊભા થયા છે.
વિકાસ જરૂરી છે, પરંતુ વિકાસની સાથે શહેરની આસ્થા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાનું જતન પણ એટલું જ જરૂરી છે, તેવી લાગણી સ્થાનિકોમાં વ્યક્ત થઈ રહી છે.
સામા કાંઠે મેળો યોજાવાની શક્યતા?
એક અધિકારીના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે નદીના સામા કાંઠે આવેલા બ્રહ્માંડેશ્વર મહાદેવ અને ઢગલા બાપજીના પટાંગણમાં મેળો યોજાય તેવી શક્યતા છે. જોકે, આ અંગે સત્તાવાર જાહેરાત કે સ્પષ્ટ આયોજન હજુ સામે આવ્યું નથી.
સ્થળ બદલાશે તો મેળાના વેપારીઓથી લઈને શ્રમિકો, મનોરંજનના સાધનોના સંચાલકો, સ્થાનિક વેપારીઓ અને મેળામાં આવતા શ્રદ્ધાળુઓ ઉપર તેની સીધી અસર પડી શકે છે. સ્થળ, રસ્તા, પાર્કિંગ, પાણી, વીજળી, સુરક્ષા અને લોકોની અવરજવર જેવી અનેક બાબતોનું અગાઉથી આયોજન કરવું જરૂરી બનશે.
“મેળો ક્યાં ભરાશે?” — તંત્ર સત્વરે ચિત્ર સ્પષ્ટ કરે
કાર્તિક પૂર્ણિમાનો મેળો નજીક આવી રહ્યો છે ત્યારે વેપારીઓ, શ્રમિકો, નગરજનો અને લાખો શ્રદ્ધાળુઓના મનમાં એક જ સવાલ છે—આ વર્ષે મેળો ક્યાં ભરાશે?
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિકાસ સાથે વિરાસતના જતનની વાત કરવામાં આવે છે ત્યારે સિદ્ધપુરની સદીઓ જૂની આસ્થા અને પરંપરાગત મેળાના સ્થળને જાળવીને રિવરફ્રન્ટનું આયોજન શક્ય હતું કે કેમ તે અંગે પણ હવે ચર્ચા શરૂ થઈ છે.
સ્થાનિકોનું કહેવું છે કે રિવરફ્રન્ટનું આયોજન અને ડિઝાઇન તૈયાર કરતી વખતે પરંપરાગત મેળા માટે કાયમી વ્યવસ્થા અંગે વિચારણા થવી જોઈતી હતી. હવે મેળાનો સમય નજીક છે ત્યારે અંતિમ ક્ષણે અસમંજસ ઊભું કરવાને બદલે તંત્રએ સ્પષ્ટ આયોજન જાહેર કરવું જોઈએ.
“વડનગરમાં આવું આયોજન થયું હોત તો…?”
સ્થાનિકોમાંથી એવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે “જો વડનગર જેવા ઐતિહાસિક અને મહત્ત્વના શહેરમાં પરંપરાગત મેળાની જગ્યાનો પ્રશ્ન ઊભો થયો હોત તો શું આ રીતે આયોજન કરવામાં આવ્યું હોત?”
સિદ્ધપુર પણ તેની પૌરાણિકતા, ધાર્મિક આસ્થા અને ઐતિહાસિક વારસાને કારણે વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તેથી વિકાસના કામની સાથે સિદ્ધપુરના પરંપરાગત કાર્તિક પૂર્ણિમાના મેળાનું મૂળ સ્વરૂપ અને તેની આસ્થાની સાથે જોડાયેલી વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર ગંભીરતાથી વિચાર કરે તેવી માંગ ઉઠી છે.
હવે જોવાનું એ રહ્યું કે સિદ્ધપુરનો સદીઓ જૂનો આ લોકમેળો આ વર્ષે ક્યાં ભરાશે અને તંત્ર તેની સત્તાવાર જાહેરાત ક્યારે કરશે?
પવન એક્સપ્રેસ | સિદ્ધપુર
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
