દિવાળીએ ફટાકડાના હંગામી વેચાણ પરવાના માટે ૨૫ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે

દિવાળીએ ફટાકડાના હંગામી વેચાણ પરવાના માટે ૨૫ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે

પાલનપુર અને વડગામ તાલુકામાં હંગામી ફટાકડા વેચાણ માટે SDM કચેરી દ્વારા જાહેર યાદી પ્રસિદ્ધ

પવન એક્સપ્રેસ | પાલનપુર

પાલનપુર, તા. ૧૧ સપ્ટેમ્બર: આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને પાલનપુર અને વડગામ તાલુકામાં ફટાકડાના હંગામી વેચાણ માટે પરવાનો મેળવવા ઇચ્છુક વેપારીઓ તથા નાગરિકો માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, પાલનપુરની કચેરી દ્વારા અગત્યની જાહેર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

જાહેર યાદી મુજબ હંગામી ફટાકડા વેચાણનો પરવાનો મેળવવા ઇચ્છુક અરજદારોએ તા. ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.

AE-5 ફોર્મ ચાર નકલમાં રજૂ કરવાનું રહેશે

અરજદારે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કચેરી, પાલનપુર ખાતેથી કચેરીના કામકાજના દિવસો દરમિયાન નિયત નમૂનાનું AE-5 અરજી ફોર્મ મેળવી, તેમાં સંપૂર્ણ વિગતો ભરી જરૂરી આધાર-પુરાવા સાથે સંબંધિત તાલુકાના જનસેવા કેન્દ્ર ખાતે રૂબરૂ જમા કરાવવાનું રહેશે.

અરજી ફોર્મ ચાર નકલમાં રજૂ કરવાનું રહેશે. પરવાના માટેની બિન-પરત ફી રૂ. ૯૦૦ “૦૦૭૦ અન્ય વહીવટી સેવાઓ” સદરે સરકારી તિજોરીમાં જમા કરાવી તેનું અસલ ચલણ અરજી સાથે જોડવાનું રહેશે.

જગ્યા અને નકશાની વિગતો પણ ફરજિયાત

ફટાકડાનું વેચાણ જે જગ્યાએ કરવાનું હોય તેની માલિકીના આધાર-પુરાવા રજૂ કરવા પડશે. જો જગ્યા ભાડે રાખેલી હોય તો ભાડાચિઠ્ઠી ચાર નકલમાં આપવાની રહેશે.

આ ઉપરાંત માંગણીવાળી જગ્યાનો બ્લુ પ્રિન્ટ નકશો/પ્લાન ચાર નકલમાં રજૂ કરવાનો રહેશે. નકશામાં દુકાનનું ક્ષેત્રફળ, ફટાકડાના સંગ્રહની ક્ષમતા, એપ્રોચ રોડ, આસપાસની ચારેય બાજુની સ્થળ-સ્થિતિ તેમજ વીજળીના વાયરિંગ અને ફિટિંગની વિગતો સ્પષ્ટ દર્શાવવી જરૂરી રહેશે.

અરજીની પ્રથમ નકલ પર નિયત કોર્ટ ફી સ્ટેમ્પ તથા અરજદારનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ લગાવવાનો રહેશે.

ફાયર સેફ્ટી NOC વગર અરજી નામંજૂર થશે

ફટાકડાના વેચાણ દરમિયાન સલામતી જળવાય તે માટે અરજદારે Explosive Rules-2008 તથા ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ-2013 હેઠળના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે.

સંબંધિત સક્ષમ સત્તામંડળ પાસેથી મેળવેલું અસલ ફાયર સેફ્ટી NOC અરજી સાથે રજૂ કરવું ફરજિયાત છે. ફાયર સેફ્ટી NOC રજૂ કરવામાં નહીં આવે તો અરજી આપોઆપ નામંજૂર કરવામાં આવશે અને જમા કરાવેલી ફી પરત આપવામાં આવશે નહીં.

પરવાનો RPADથી મોકલાશે

મંજૂર થયેલો હંગામી પરવાનો અરજદારને રજિસ્ટર્ડ પોસ્ટ AD (RPAD) મારફતે મોકલવામાં આવશે. જો કોઈ કારણસર પરવાનો ટપાલ મારફતે પ્રાપ્ત ન થાય તો અરજદારે તા. ૧૯ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કચેરી, પાલનપુર ખાતેથી રૂબરૂ મેળવી લેવાનો રહેશે.

સમયમર્યાદા બાદની અરજીઓ સ્વીકારવામાં નહીં આવે

SDM કચેરીની યાદીમાં સ્પષ્ટ જણાવાયું છે કે તા. ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ બાદ મળેલી અરજીઓ તેમજ અધૂરી વિગતોવાળી અરજીઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. નિયત સમયમર્યાદા કે નિયત સ્થળે પરવાનો મેળવવા અંગે અરજદારનો કોઈ હકદાવો પણ માન્ય રહેશે નહીં.

આથી પાલનપુર અને વડગામ તાલુકામાં દિવાળી દરમિયાન હંગામી ફટાકડા વેચાણનો પરવાનો મેળવવા ઇચ્છતા વેપારીઓ અને નાગરિકોએ સમયમર્યાદા પહેલાં તમામ જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી દેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

પવન એક્સપ્રેસ | પાલનપુર


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading