ડીસામાં ૪૩૪ કિ.ગ્રા. શંકાસ્પદ લુઝ ઘીનો જથ્થો જપ્ત
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી; રૂ. ૨.૪૯ લાખના શંકાસ્પદ ઘીને સીઝ કરી નમૂનાઓ લેબોરેટરીમાં મોકલાયા
પવન એક્સપ્રેસ | ડીસા

ડીસા, તા. ૨૫ ઓગસ્ટ: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા ડીસા ખાતે શંકાસ્પદ ઘીના ઉત્પાદન અને વેચાણ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી ટી.એચ. પટેલના માર્ગદર્શન હેઠળ સિનિયર ફૂડ સેફટી ઓફિસર શ્રી એચ.વી. ગુર્જર તથા ફૂડ સેફટી ઓફિસર શ્રી એમ.એલ. ગુર્જર અને શ્રી કે.કે. ચૌધરી દ્વારા દેવીપૂજક વાસ, ડીસા ખાતે આવેલ મે. માવજત ફુડ પ્રોડકટસની તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન પેઢી ખાતે શંકાસ્પદ લુઝ ઘીનું ઉત્પાદન તથા વેચાણ થતું હોવાનું જણાઈ આવ્યું હતું. જેને પગલે તંત્ર દ્વારા ઘીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા.
૪૩૪ કિ.ગ્રા. ઘીનો જથ્થો સીઝ
તપાસ દરમિયાન લેવામાં આવેલા લુઝ ઘીના નમૂનાઓને ગુણવત્તા ચકાસણી માટે સરકારી ફૂડ લેબોરેટરી ખાતે ફૂડ એનાલિસ્ટને મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નમૂનાઓ લીધા બાદ પેઢી ખાતે બાકી રહેલા ૪૩૪ કિ.ગ્રા. લુઝ ઘીનો જથ્થો, જેની અંદાજિત કિંમત રૂ. ૨,૪૯,૫૫૦ થાય છે, તેને તંત્ર દ્વારા જપ્ત કરી સીઝ કરવામાં આવ્યો છે.
લેબોરેટરી રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી
તપાસ દરમિયાન પેઢીના માલિક શ્રી પ્રકાશકુમાર વ્રજલાલ મોદી દ્વારા શંકાસ્પદ ઘીનું ઉત્પાદન તથા વેચાણ કરવામાં આવતું હોવાનું જણાઈ આવતા તેમની સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, ૨૦૦૬ હેઠળ નિયમોનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સરકારી ફૂડ લેબોરેટરીમાંથી ઘીના નમૂનાઓના પરીક્ષણ અહેવાલ પ્રાપ્ત થયા બાદ તેના આધારે નિયમોનુસાર વધુ કાર્યવાહી કરવામાં આવશે.
ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા જળવાઈ રહે અને નાગરિકોને સલામત તથા ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
— પવન એક્સપ્રેસ | ડીસા
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
