પવન એક્સપ્રેસ
વડગામ રેફરલ હોસ્પિટલને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની માંગ
અધિક્ષક વર્ગ-1ની જગ્યા સહિત ખાલી મહેકમ ભરવા અને જૂના હોસ્પિટલ મકાનના નવીનીકરણ માટે આરોગ્ય મંત્રીને રજૂઆત

વડગામ, તા. 26: બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા મથકે આવેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર (રેફરલ હોસ્પિટલ)ની આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ અને આધુનિક બનાવવા માટે સ્થાનિક આગેવાનો દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે.
વડગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત થયું ત્યારથી આજદિન સુધી અધિક્ષક વર્ગ-1ની મહેકમની જગ્યા ખાલી છે. પરિણામે શરૂઆતથી જ મેડિકલ ઓફિસર દ્વારા ચાર્જ સંભાળીને વહીવટી કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે વહીવટી સ્ટાફ તેમજ મેડિકલ સ્ટાફની કાયમી ઘટ પણ હજુ સુધી પૂરવામાં આવી નથી.
બીજી તરફ, વડગામ રેફરલ હોસ્પિટલનું હાલનું મકાન અંદાજે 50થી 60 વર્ષ જૂનું હોવાથી આધુનિક આરોગ્ય સેવાઓ માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. તાલુકાની વધતી જતી વસ્તી અને આરોગ્યલક્ષી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હોસ્પિટલનું આધુનિકીકરણ કરવું સમયની માંગ બની છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક આગેવાનો દ્વારા આરોગ્ય મંત્રીશ્રીને લેખિત આવેદનપત્ર પાઠવી અધિક્ષક વર્ગ-1 સહિત જરૂરી મહેકમની જગ્યાઓ તાત્કાલિક ભરવા, પૂરતો મેડિકલ તથા વહીવટી સ્ટાફ ફાળવવા તેમજ જૂના હોસ્પિટલ મકાનનું નવીનીકરણ કરી આધુનિક આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી છે.
વડગામ તાલુકાના લોકો માટે રેફરલ હોસ્પિટલ મહત્વપૂર્ણ આરોગ્ય કેન્દ્ર છે. હોસ્પિટલમાં જરૂરી સુવિધાઓ અને પૂરતો સ્ટાફ ઉપલબ્ધ થાય તો તાલુકાના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર મળી શકે તેમ છે. સ્થાનિક નાગરિકોએ પણ આ રજૂઆતને આવકારતાં સરકાર દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી આશા વ્યક્ત કરી છે.
તસવીર: રાજ્યના આરોગ્ય મંત્રીશ્રીને આવેદનપત્ર આપતા વડગામના આગેવાનો.
અહેવાલ : પુષ્કર ગોસ્વામી, વડગામ પવન એક્સપ્રેસ
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
