બનાસકાંઠામાં દિવાળી અને અન્ય તહેવારો દરમિયાન ફટાકડા તથા ચાયનીઝ તુક્કલ પર નિયંત્રણ

બનાસકાંઠામાં દિવાળી અને અન્ય તહેવારો દરમિયાન ફટાકડા તથા ચાયનીઝ તુક્કલ પર નિયંત્રણ

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.પી. પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ; દિવાળીમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે

પવન એક્સપ્રેસ | બનાસકાંઠા

દિવાળી સહિતના તહેવારો દરમિયાન જાહેર સલામતી જાળવવા, પર્યાવરણનું રક્ષણ કરવા અને આગ-અકસ્મતના બનાવો અટકાવવાના હેતુથી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બનાસકાંઠા સી.પી. પટેલ (જી.એ.એસ.) દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 તથા ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની સંબંધિત જોગવાઈઓ હેઠળ પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા છે.

આ જાહેરનામા મુજબ જિલ્લામાં માત્ર માન્યતા પ્રાપ્ત અને ઓછું પ્રદૂષણ ફેલાવતા ગ્રીન ફટાકડાના ઉત્પાદન તથા વેચાણને મંજૂરી રહેશે. ભારે અવાજ કરતા અને વધુ પ્રદૂષણ ફેલાવતા ફટાકડા સહિતની કેટલીક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

માત્ર માન્ય ગ્રીન ફટાકડાના વેચાણને મંજૂરી

જાહેરનામા મુજબ, સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર માન્યતા પ્રાપ્ત અને ઓછું ઉત્સર્જન કરતા ગ્રીન ફટાકડાના ઉત્પાદન તથા વેચાણને જ મંજૂરી આપવામાં આવશે. પ્રતિબંધિત ફટાકડાનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ કે ઉપયોગ કરી શકાશે નહીં.

ભારે અવાજ કરતા, આરોગ્ય માટે હાનિકારક અને વધુ પ્રમાણમાં વાયુ પ્રદૂષણ તથા ઘન કચરો પેદા કરતા લડી કે બાંધેલા ફટાકડા (Joint Firecrackers/Laris) રાખવા, વેચવા કે ફોડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ફટાકડાનું વેચાણ માત્ર અધિકૃત લાઇસન્સધારક વેપારીઓ જ કરી શકશે. વેપારીઓએ નિયમોને અનુરૂપ માન્ય ફટાકડાનું જ વેચાણ કરવાનું રહેશે.

ચાયનીઝ તુક્કલ અને લેન્ટર્ન પર સંપૂર્ણ પ્રતિબંધ

ગુજરાત હાઈકોર્ટના નિર્દેશોને અનુસરીને ચાયનીઝ તુક્કલ અને લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ તથા ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ ઉપરાંત, વિદેશી અથવા ગેરકાયદેસર ફટાકડાની આયાત, સંગ્રહ અને વેચાણ પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. ઈ-કોમર્સ વેબસાઇટ્સ મારફતે ફટાકડાના ઓનલાઈન વેચાણ પર તેમજ ફટાકડાના ઉત્પાદનમાં બેરીયમના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.

ગ્રીન ક્રેકર્સના નામે પ્રતિબંધિત ફટાકડાનું વેચાણ ન થાય અને ફટાકડાના પેકિંગ પર જરૂરી કાયદેસરની વિગતો દર્શાવવામાં આવે તે અંગે પણ જાહેરનામામાં નિયંત્રણો મૂકવામાં આવ્યાં છે.

દિવાળીમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે

જાહેર સલામતી અને ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ફટાકડા ફોડવાનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.

  • દિવાળી તથા અન્ય તહેવારો: રાત્રે 8:00થી 10:00 વાગ્યા સુધી.
  • ક્રિસમસ અને નૂતન વર્ષ: રાત્રે 11:55થી મધરાતે 12:30 વાગ્યા સુધી.

નિર્ધારિત સમય સિવાય ફટાકડા ફોડવા પર જાહેરનામાની જોગવાઈઓ મુજબ પ્રતિબંધ રહેશે.

હોસ્પિટલ અને ધાર્મિક સ્થળોની આસપાસ સાયલન્ટ ઝોન

જાહેરનામા મુજબ હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આસપાસ 100 મીટરની ત્રિજ્યામાં સાયલન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં.

આ ઉપરાંત પેટ્રોલ પંપ, એલપીજી રિફિલિંગ પ્લાન્ટ, ગેસ સ્ટોરેજ સ્થળો, જ્વલનશીલ પદાર્થોના ગોદામો તથા હવાઈ મથકોની નજીક આગ કે અકસ્માતનું જોખમ ઊભું થાય તે રીતે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી

આ જાહેરનામું સમગ્ર બનાસકાંઠા જિલ્લાના મહેસૂલી વિસ્તારમાં નિર્ધારિત સમયગાળા દરમિયાન અમલમાં રહેશે. જાહેરનામામાં દર્શાવેલી તારીખો મુજબ, તે 9 નવેમ્બર 2026ના રોજ તેમજ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2026 સુધી અમલમાં રહેશે.

હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 તથા ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 137 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ માટે જિલ્લાના હેડ કોન્સ્ટેબલથી લઈને પોલીસ અધિક્ષક સુધીના પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.

નાગરિકોને નિયમોનું પાલન કરવા અપીલ

તહેવારો દરમિયાન આનંદ અને ઉજવણીની સાથે જાહેર સલામતી તથા પર્યાવરણનું રક્ષણ કરવું પણ એટલું જ જરૂરી છે. નાગરિકો માન્ય ગ્રીન ફટાકડાનો જ ઉપયોગ કરે, નિર્ધારિત સમયનું પાલન કરે અને ચાયનીઝ તુક્કલ સહિત પ્રતિબંધિત વસ્તુઓનો ઉપયોગ ટાળે તે જરૂરી છે.

પવન એક્સપ્રેસ | પવનવેગે પ્રસરતા સમાચાર


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading