પાલનપુર સિવિલ હોસ્પિટલના વર્ગ-૪ના કર્મચારીઓની આંદોલનની ચીમકી
વેતનમાં વધારાના બદલે રૂ. ૮૬નો ઘટાડો થતાં કર્મચારીઓમાં રોષ; ૧ સપ્ટેમ્બર સુધીમાં ઉકેલની ખાતરી બાદ મામલો થાળે પડ્યો
પવન એક્સપ્રેસ | પાલનપુર

પાલનપુર: પાલનપુર સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ આધારિત ફરજ બજાવતા વર્ગ-૪ના કર્મચારીઓના વેતનમાં કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના ઘટાડો કરવામાં આવતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કેટલાક કર્મચારીઓને વેતન ચૂકવવામાં ન આવતાં કર્મચારીઓએ વહેલી સવારે કામથી અળગા રહી હોસ્પિટલ ખાતે દેખાવો કર્યા હતા.
મળતી માહિતી મુજબ, પાલનપુરની બનાસ જનરલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ આધારિત વર્ગ-૪ના કર્મચારીઓને અગાઉ દૈનિક રૂ. ૪૮૬નું વેતન ચૂકવવામાં આવતું હતું. નવા કોન્ટ્રાક્ટર દ્વારા વેતનમાં વધારો કરવાના બદલે દૈનિક રૂ. ૮૬નો ઘટાડો કરી રૂ. ૪૦૦ કરવામાં આવ્યો હોવાનો કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો.
૩૧ દિવસના મહિનામાં પણ ૩૦ દિવસનું વેતન ગણાતું હોવાનો આક્ષેપ
કર્મચારીઓના જણાવ્યા મુજબ, ૩૧ દિવસના મહિનામાં પણ ૩૦ દિવસનું જ વેતન ગણવામાં આવતું હોવાના કારણે પણ કર્મચારીઓમાં નારાજગી છે. આ ઉપરાંત કેટલાક કર્મચારીઓને હજુ સુધી વેતન ચૂકવવામાં આવ્યું ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
હાલની મોંઘવારીને ધ્યાનમાં રાખીને વેતનમાં ઘટાડો કરવાના બદલે વધારો કરવામાં આવે તેવી માંગ સાથે કર્મચારીઓ વહેલી સવારે કામથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો.
સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની ખાતરી બાદ મામલો થાળે પડ્યો
કર્મચારીઓના વિરોધની જાણ થતાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને કર્મચારીઓ સાથે વાટાઘાટો કરી હતી. અધિકારીઓ દ્વારા કર્મચારીઓની રજૂઆતો સાંભળી આગામી તા. ૧ સપ્ટેમ્બર સુધીમાં તેમની માંગણીઓનો ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી.
અધિકારીઓની ખાતરી બાદ કર્મચારીઓએ હાલ પૂરતો વિરોધ સમેટી મામલો થાળે પાડ્યો હતો. જોકે, ૧ સપ્ટેમ્બર સુધીમાં માંગણીઓનો સંતોષકારક ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી કર્મચારીઓએ ઉચ્ચારી છે.
— પવન એક્સપ્રેસ | પાલનપુર
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
