સંસદ પરિસરમાં સંતોના અપમાન મામલે પાલનપુરમાં ઉગ્ર વિરોધ
સનાતન સંત સમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર, સાંસદ પપ્પુ યાદવના રાજીનામાની માંગ
પાલનપુર, તા. 6 ઓગસ્ટ: સંસદ પરિસરમાં સંતો પ્રત્યે કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં દેશભરમાં વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. તેના અનુસંધાને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં સનાતન સંત સમાજ તેમજ વિવિધ હિન્દુ સંગઠનોના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો.
વિરોધ પ્રદર્શન દરમિયાન ઉપસ્થિત લોકોએ સનાતન સંસ્કૃતિ અને સંતોના સન્માનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં સાંસદ પપ્પુ યાદવ દ્વારા સંત સમાજનું અપમાન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરી તેમની પાસેથી તાત્કાલિક રાજીનામાની માંગ કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે સનાતન સંસ્કૃતિ અને પૂજનીય સંતો દેશની આસ્થા અને સંસ્કૃતિના પ્રતીક છે અને તેમના સન્માન સાથે કોઈપણ પ્રકારની છેડછાડ સહન કરવામાં આવશે નહીં.
સનાતન સંત સમાજ અને વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે અને સાંસદ પપ્પુ યાદવ રાજીનામું નહીં આપે, તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે.
વિરોધ કાર્યક્રમ દરમિયાન સનાતન સંત સમાજના હોદ્દેદારો, વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
