મોરબી: સાદુળકા ગામની તલાવડીમાં ડૂબી જવાથી 3 ના કરૂણ મોત

નવા સાદુળકા ગામે ઘેટાં-બકરા ચરાવવા ગયેલા 11 વર્ષના બાળક સહિત 3 માલધારીઓના ખેત તલાવડીમાં નહાવા પડતા ડૂબી જવાથી મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર માલધારી સમાજ અને પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
મોરબી જિલ્લાના નવા સાદુળકા ગામ નજીક ઘેટાં-બકરા ચરાવવા ગયેલા માલધારી પરિવારના ત્રણ સભ્યો ખેત તલાવડીમાં નહાવા પડ્યા હતા અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબી જવાથી ત્રણેયના મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં 11 વર્ષના માસૂમ બાળક સહિત ત્રણ યુવાનોના મોતથી સમગ્ર માલધારી સમાજ અને ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
ઘેટાં-બકરા ચરાવતી વખતે નહાવા ગયા ને કાળ આંબી ગયો.
પ્રાપ્ત માહિતી અનુસાર, નવા સાદુળકા ગામના માલધારી પરિવારના ચાર સભ્યો, જેમાં એક બાળક પણ સામેલ હતો, તે તેમના નિત્યક્રમ મુજબ ગામ નજીક સીમમાં ઘેટાં-બકરા ચરાવવા માટે ગયા હતા. બપોરના સમયે ગરમીથી રાહત મેળવવા માટે બાળક સહિત ત્રણ લોકો ગામ નજીક આવેલી એક ખેત તલાવડીમાં નહાવા માટે ઉતર્યા હતા.
ઊંડા પાણીનો અંદાજ ન રહેતા ડૂબી ગયા.
એવું માનવામાં આવે છે કે ખેત તલાવડીના ઊંડા પાણીનો અંદાજ ન રહેતા નહાવા પડેલા ત્રણેય લોકો એક પછી એક પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગની મદદથી ભારે જહેમત બાદ ત્રણેયના મૃતદેહોને તલાવડીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
મૃતકોના નામ અને ઉંમર.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોની ઓળખમાં હાથાભાઈ કુંજાભાઈ રાતડિયા (ઉંમર – 28 વર્ષ), જયદેવ સોંડાભાઈ રાતડીયા (ઉંમર – 11 વર્ષ), કાળુભાઈ ગીગુભાઇ ભરવાડ (ઉંમર – 31 વર્ષ) તરીકે થઈ છે.
પરિવાર અને ગામમાં શોકનો માહોલ
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને માલધારી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. એક જ પરિવારના અને સમાજના ત્રણ આશાસ્પદ સભ્યોના અચાનક નિધનથી માલધારી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
