પાલનપુરમાં ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે કીર્તનયાત્રા અને પ્રાર્થના રેલી યોજાઈ

પાલનપુર, પાલનપુર શહેરમાં ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગને લઈને ગૌસેવકો દ્વારા ભવ્ય કીર્તનયાત્રા અને પ્રાર્થના રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વિજય હનુમાન મંદિરથી પ્રારંભ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી.
રેલી દરમિયાન મોટી સંખ્યામાં ગૌભક્તો અને ગૌસેવકો જોડાયા હતા. ગૌમાતાની સુરક્ષા, સંવર્ધન અને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે ભજન-કીર્તન તેમજ પ્રાર્થના કરવામાં આવી હતી. કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગૌસેવક વિપુલભાઈએ જણાવ્યું હતું કે, ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો અપાવવા માટે દેશવ્યાપી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે આજે દેશના આશરે 790 જિલ્લાઓમાં એકસાથે કીર્તનયાત્રા અને પ્રાર્થના રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાલનપુરમાંથી 8,25,000 હસ્તાક્ષરો સાથેનું પ્રાર્થના પત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવ્યું છે. આ આવેદનપત્ર ભારતના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલના નામે મોકલવામાં આવશે.
આ કાર્યક્રમ દરમિયાન ગૌમાતાની સેવા, સંરક્ષણ અને ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતાના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ગૌસેવકોએ સરકારને ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે યોગ્ય અને ત્વરિત નિર્ણય લેવા અપીલ કરી હતી.

Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
