લાલ દંડા સંઘ પહોંચ્યો માં અંબાના ધામ: ૫૦૦ જેટલા પદયાત્રી સાથે લાલ દંડા સંઘે માં અંબાના દર્શન કર્યા

લાલ દંડા સંઘ પહોંચ્યો માં અંબાના ધામ

૫૦૦ જેટલા પદયાત્રી સાથે લાલ દંડા સંઘે માં અંબાના દર્શન કર્યા

માતાજીની અસીમ કૃપા: ૧૯૨ વર્ષથી અવિરત ચાલતી શ્રદ્ધા અને જનકલ્યાણની યાત્રા. :શ્રી કૌશિક જોષી

આજે લાલ દંડા સંઘે માં અંબાના ધામ અંબાજી પહોંચી માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી અનેક સંઘો આવે છે, પરંતુ આ સંઘોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો સંઘ લાલ દંડા સંઘ છે. અમદાવાદથી નીકળતો આ સંઘ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે. છેલ્લા ૧૯૨ વર્ષથી લાલ દંડા સંઘની પદયાત્રાની પરંપરા અવિરત ચાલી રહી છે. અંબાજી ચાચર ચોકમા જિલ્લા કલેકટર શ્રી મિહિર પટેલ તેમજ વહીવટદારશ્રી કૌશિકભાઈ મોદી દ્વારા લાલ દંડા સંઘનુ સ્વાગત કરવામાં આવ્યું હતુ.

ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી આવતા સંઘોમાં લાલ દંડા સંઘ સૌથી જૂના સંઘોમાંનો એક છે. ભાદરવા સુદ બીજના દિવસે અમદાવાદથી રવાના થઈ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ બારસના દિવસે લાલ દંડા સંઘ માં અંબાના સાનિધ્યમાં અંબાજી પહોંચે છે. આ દરમિયાન ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવે છે. લાલ દંડા સંઘનું દાંતા રાજવી પરિવાર દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. પાંચસોથી વધુ પદયાત્રીઓ સાથે નીકળતો આ લાલ દંડા સંઘ ભાદરવી પૂનમના મેળામાં આવતા સંઘોમાં આગવું સ્થાન ધરાવે છે.

સંઘના આગેવાન કૌશિકભાઈ જોષીએ જણાવ્યું હતું કે, “લાલ દંડા સંઘ આજે તેની ૧૯૨મી પદયાત્રા પૂર્ણ થવાના આરે છે. ૧૯૨ વર્ષ પહેલાં અમદાવાદ શહેરમાં પ્લેગ નામનો રોગ ફાટી નીકળ્યો હતો. તે સમયે અમદાવાદના નગરશેઠ અને નગરપતિ તરીકે હઠીસિંહ શેઠ હતા. તેઓ જૈન હતા. શહેરમાં ફેલાયેલા પ્લેગના રોગમાંથી મુક્તિ મળે તે માટે તેઓ ગોરબા પાસે ગયા અને આ રોગ શાંત થાય તે માટેનો કોઈ માર્ગ બતાવવા વિનંતી કરી હતી. ત્યારે ગોરબાએ અંબાજી સુધી પગપાળા જવાનો સંકલ્પ કરવા જણાવ્યું હતું. આથી માતાજીમાં શ્રદ્ધા રાખીને અંબાજી પગપાળા જવાનો સંકલ્પ કરવામાં આવ્યો અને ત્યારબાદ ધીરે ધીરે પ્લેગનો રોગ શાંત થતો ગયો. ત્યારથી આ પદયાત્રાની પરંપરા અવિરત ચાલી રહી છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આજે આ સંઘ ચાચર ચોકમાં ૧૯૨મા વર્ષમાં પૂર્ણ થવાના આરે પહોંચ્યો છે. અમારી સાથે માં અંબાનું સ્વરૂપ, ભૈરવ સ્વરૂપનું ધૂપિયું, જળપાત્ર અને ધજાઓ છે. આ સંઘમાં આશરે ૫૦૦ જેટલા યાત્રિકો જોડાયા છે. સંઘમાં બ્રાહ્મણો સહિત મોટી સંખ્યામાં ભક્તો અમદાવાદથી અંબાજી સુધીની પદયાત્રા કરીને આવ્યા છે. અમારા સંઘમાં ૫૦થી ૮૫ વર્ષની ઉંમરના ભક્તો પણ ઉત્સાહપૂર્વક પદયાત્રા કરે છે. માતાજીની કૃપાથી આ તમામ ભક્તો આ કઠિન યાત્રા પૂર્ણ કરી આજે માં અંબાના દર્શન કરી રહ્યા છે.”

કૌશિકભાઈ જોષીએ જણાવ્યું હતું કે, “સંઘ જ્યારે દાંતા પહોંચે છે ત્યારે ત્યાંના યુવરાજશ્રી અને મહારાજશ્રી હંમેશા સંઘનું સ્વાગત કરવા આવે છે. આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે. આજે અંબાજી ખાતે જિલ્લા કલેકટરશ્રી, વહીવટદારશ્રી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા યાત્રિકો માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ અને સ્વાગત જોઈને માતાજીની કૃપાનો અનુભવ થાય છે. માતાજી સૌનું કલ્યાણ કરે અને સૌની મનોકામના પૂર્ણ કરે તેવી અમારી પ્રાર્થના છે. અંબે માત કી જય.”

લાલ દંડા સંઘનો ઇતિહાસ :-

લાલ દંડા સંઘ સાથે ઐતિહાસિક પરંપરા જોડાયેલી છે. કહેવાય છે કે વર્ષો અગાઉ અમદાવાદમાં જ્યારે પ્લેગનો રોગ ફાટી નીકળ્યો હતો ત્યારે તત્કાલીન નગરશેઠ હઠીસિંહ શેઠ દ્વારા માં અંબાની બાધા રાખવામાં આવી હતી. શહેરમાંથી પ્લેગનો રોગ શાંત થાય તો માં અંબાના દર્શને પગપાળા આવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અમદાવાદથી બ્રાહ્મણો સહિત ભક્તોનો સંઘ અંબાજી સુધી પગપાળા આવવાની પરંપરા શરૂ થઈ હતી, જે આજે પણ અવિરત ચાલુ છે.

જ્યારે લાલ દંડા સંઘ દાંતા પહોંચે છે ત્યારે દાંતા રાજવી પરિવાર દ્વારા સંઘનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. દાંતા રાજવી પરિવારના જૂના મહેલમાં આવેલા માં અંબાના મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ લાલ દંડા સંઘ અંબાજી તરફ પ્રસ્થાન કરે છે. અંબાજી પહોંચ્યા બાદ સંઘના યાત્રિકો ચાચર ચોકમાં પહોંચીને માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading