ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬: માઈભક્તોની સુવિધા અને સુરક્ષાને પ્રાથમિકતા

ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬: માઈભક્તોની સુવિધા અને સુરક્ષાને પ્રાથમિકતા

અંબાજી પદયાત્રા માર્ગો પર હરતા-ફરતા સેવા કેમ્પો માટે સુગમ વ્યવસ્થા, ઓનલાઈન નોંધણી ફરજિયાત

પવન એક્સપ્રેસ | બનાસકાંઠા

અંબાજી: અંબાજી ખાતે આગામી તા. ૨૦ સપ્ટેમ્બરથી ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬ને લઈ જિલ્લા વહીવટી તંત્ર અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા માઈભક્તોની સુવિધા અને સુરક્ષાને પ્રાથમિકતા આપી આગોતરી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મહામેળામાં લાખો માઈભક્તો પદયાત્રા કરીને અંબાજી ધામ પહોંચતા હોવાથી યાત્રાળુઓને માર્ગમાં કોઈ અગવડ ન પડે તે માટે વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

જિલ્લા કલેક્ટરશ્રી તથા અંબાજી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ રચાયેલી ૨૮ વિવિધ સમિતિઓ દ્વારા મેળાની તૈયારીઓ અને યાત્રાળુઓની સુવિધાઓ અંગે સતત કામગીરી કરવામાં આવી રહી છે.

મોબાઈલ સેવા કેમ્પો માટે ઓનલાઈન નોંધણી જરૂરી

મહામેળા દરમિયાન પદયાત્રીઓની સેવા માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને માઈભક્તો દ્વારા સ્થાયી સેવા કેમ્પો ઉપરાંત વાહનો મારફતે આઈસ્ક્રીમ, ઠંડા પીણાં, ફળો, પાણી સહિતની ખાદ્ય સામગ્રીનું વિતરણ કરતા મોબાઈલ સેવા કેમ્પો પણ કાર્યરત કરવામાં આવે છે.

આ સેવાઓ વ્યવસ્થિત રીતે તમામ પદયાત્રીઓ સુધી પહોંચી શકે તેમજ ટ્રાફિક, ભીડભાડ કે અવ્યવસ્થા ન સર્જાય તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ www.ambajitemple.in પર ઓનલાઈન નોંધણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

સેવાભાવી આયોજકોએ સમયસર ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. નોંધણી બાદ વહીવટી તંત્ર તરફથી જરૂરી સહયોગ અને માર્ગદર્શન પણ મળી રહેશે.

નિયત સ્થળોએ જ મોબાઈલ સેવા કેમ્પો

પદયાત્રાના મુખ્ય માર્ગો પર મોબાઈલ સેવા કેમ્પો માટે ચોક્કસ અને સુલભ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. નિયત સ્થળોએ જ કેમ્પો કાર્યરત રહેવાથી યાત્રાળુઓને સરળતાથી પાણી, પ્રસાદ તથા અન્ય સેવાઓ મળી રહેશે અને માર્ગ વ્યવસ્થા પણ જળવાઈ રહેશે.

એસ.ડી.એમ. (દાંતા પ્રાંત) કચેરી દ્વારા સેવા કેમ્પોની વિગતોની ચકાસણી કરી મંજૂરી આપવામાં આવશે.

સ્વચ્છતા જાળવવાની જવાબદારી આયોજકોની

સેવા સાથે સ્વચ્છતા જળવાઈ રહે તે માટે મંજૂરી મેળવનાર તમામ મોબાઈલ સેવા કેમ્પોએ પોતાના વાહન સાથે ડસ્ટબિન રાખવાનું ફરજિયાત રહેશે. સેવા દરમિયાન માર્ગો પર કચરો ન ફેલાય અને યાત્રાળુઓને સ્વચ્છ વાતાવરણ મળી રહે તેની જવાબદારી સેવા આયોજકોની રહેશે.

સેવા કાર્ય પૂર્ણ થયા બાદ કેમ્પના સ્થળ સહિત સમગ્ર પરિસર સ્વચ્છ રાખવાની જવાબદારી પણ આયોજકોની રહેશે.

સેવા કેમ્પો માટે નિયત સ્થળો

અંબાજી–હડાદ માર્ગ

  • કામાક્ષી મંદિર
  • મચકોડા બસ સ્ટોપ નજીક
  • મંગલમ પેટ્રોલ પંપ, હડાદ રોડ નજીક

અંબાજી–દાંતા માર્ગ

  • શ્રી શક્તિ સેવાકેન્દ્રની સ્કૂલ સામે
  • ધાબાવાળી વાવ
  • ત્રિશૂલિયા ઘાટ

દાંતા–પાલનપુર માર્ગ

  • રતનપુર ચોકડી
  • મોટાસડા

રતનપુર ચોકડી–આંબાઘાટ માર્ગ

  • કુંડેલ
  • આંબાઘાટ

માઈભક્તોની સુરક્ષા, સ્વાસ્થ્ય, ટ્રાફિક નિયંત્રણ અને સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. તમામ સેવાભાવી સંસ્થાઓ અને માઈભક્તોને સમયસર ઓનલાઈન નોંધણી કરાવી વ્યવસ્થાનો લાભ લેવા તથા વહીવટી તંત્રને સહકાર આપવા અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક એસ. મોદી દ્વારા અપીલ કરવામાં આવી છે.

પવન એક્સપ્રેસ | બનાસકાંઠા


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading