રાજ્યમાં 10 કે તેથી વધુ શ્રમયોગીઓ ધરાવતી સંસ્થાઓ માટે શ્રમ સેતુ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી ફરજિયાત
શ્રમિકોની સુરક્ષા, આરોગ્ય અને કામકાજની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી શ્રમ આયુક્ત કચેરીનો મહત્વપૂર્ણ નિર્ણય
પવન એક્સપ્રેસ | ગુજરાત
ગુજરાત: રાજ્યમાં 10 કે તેથી વધુ શ્રમયોગીઓ ધરાવતી ઔદ્યોગિક તેમજ વ્યાપારી સંસ્થાઓ માટે હવે શ્રમ સેતુ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત કરવામાં આવી છે. શ્રમિકોની સુરક્ષા, આરોગ્ય અને કામકાજની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશથી શ્રમ આયુક્તની કચેરી દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારના **‘ધી ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કંડિશન કોડ, 2020’ (OSH Code, 2020)**ની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને રાજ્યમાં શ્રમ કાયદાઓના અમલીકરણ અને સંસ્થાઓની નોંધણી પ્રક્રિયાને વધુ સરળ તથા પારદર્શક બનાવવા માટે ઓનલાઈન વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે.
આ નિર્ણય અંતર્ગત રાજ્યમાં 10 કે તેથી વધુ શ્રમયોગીઓ કાર્યરત હોય તેવી ઔદ્યોગિક અને વ્યાપારી સંસ્થાઓએ શ્રમ સેતુ પોર્ટલ મારફતે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. નોંધણી પ્રક્રિયા ઓનલાઈન હોવાથી સંસ્થાઓને જરૂરી વિગતો અને દસ્તાવેજો સરળતાથી રજૂ કરી શકાશે.
શ્રમ વિભાગ દ્વારા આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ શ્રમયોગીઓને સુરક્ષિત અને સ્વસ્થ કામકાજનું વાતાવરણ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. સાથે જ સંસ્થાઓમાં શ્રમ કાયદાઓનું પાલન થાય અને શ્રમિકોને મળવાપાત્ર હકો તથા સુરક્ષાનું અસરકારક રીતે રક્ષણ થાય તે દિશામાં પણ આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
શ્રમ વિભાગે સંબંધિત ઔદ્યોગિક અને વ્યાપારી સંસ્થાઓને સમયસર શ્રમ સેતુ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી જરૂરી કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવા અનુરોધ કર્યો છે.
પવન એક્સપ્રેસ | ગુજરાત
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
