ગુજરાતમાં ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો
તા. ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬થી ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૭ સુધી તમાકુ-નિકોટીનયુક્ત ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ
પવન એક્સપ્રેસ | ગુજરાત
ગાંધીનગર, તા. ૩૧ ઓગસ્ટ: ગુજરાતમાં નાગરિકોના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમાકુ અથવા નિકોટીન ધરાવતા ગુટખા અને પાન મસાલા પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. કમિશનર ઓફ ફૂડ સેફ્ટી દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ આ પ્રતિબંધ તા. ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૬થી તા. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૭ સુધી અમલમાં રહેશે.
ઉત્પાદનથી લઈને વેચાણ સુધી પ્રતિબંધ
રાજ્યભરમાં તમાકુ કે નિકોટીનયુક્ત ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ તેમજ વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. કોઈપણ નામે ઓળખાતા આવા ઉત્પાદનો ઉપરાંત, અલગ-અલગ વેચાતા એવા ઘટકોના વેચાણ પર પણ પ્રતિબંધ લાગુ પડશે, જેનું મિશ્રણ કરીને અંતિમ ઉત્પાદન તરીકે ગુટખા અથવા પાન મસાલો તૈયાર કરી શકાય.
વર્ષ ૨૦૧૨થી ગુજરાતમાં પ્રતિબંધ
ગુજરાતમાં ગુટખા અને તમાકુ-નિકોટીનયુક્ત પાન મસાલા સામેનો પ્રતિબંધ વર્ષ ૨૦૧૨થી અમલમાં છે. નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા તેમજ વિવિધ બિન-સરકારી સંસ્થાઓ (NGOs) દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પ્રતિબંધને વધુ એક વર્ષ માટે લંબાવ્યો છે.
આરોગ્ય માટે ગંભીર જોખમ
જાહેર યાદીમાં જણાવ્યા મુજબ વિવિધ સંશોધનોમાં ગુટખા તથા પાન મસાલાના સેવનને આરોગ્ય માટે હાનિકારક ગણાવવામાં આવ્યું છે. આવા તમાકુ ઉત્પાદનોના સેવનથી ખાસ કરીને મોઢાના કેન્સરનું જોખમ વધવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી
રાજ્ય સરકારના આ પ્રતિબંધનો ભંગ કરી તમાકુ કે નિકોટીનયુક્ત ગુટખા તથા પાન મસાલાનું ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અથવા વેચાણ કરનારાઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
પવન એક્સપ્રેસ — સત્યની સાથે, જનતાની અવાજ
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
