વડગામ તાલુકા પંચાયત નજીક જાહેર શૌચાલયની દુર્દશા
‘સ્વચ્છતા અભિયાન’ના બોર્ડ નીચે જ ગંદકીના ઢગલા; જર્જરિત શૌચાલયને દૂર કરી નવું બનાવવાની લોકમાંગ
તસવીર અહેવાલ : પુષ્કર ગોસ્વામી | વડગામ
પવન એક્સપ્રેસ | વડગામ

વડગામ: વડગામ તાલુકા મથકમાં પાલનપુર-હાઇવે નં. ૫૮ને અડીને, તાલુકા પંચાયતના મુખ્ય દરવાજા પાસે અને બસ સ્ટેન્ડની બિલકુલ બાજુમાં આવેલું જાહેર શૌચાલય હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ શૌચાલયનું નિર્માણ રાજ્ય સરકાર પુરસ્કૃત “સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન, નિર્મળ ગુજરાત વર્ષ ૨૦૦૮-૦૯” અંતર્ગત કરવામાં આવ્યું હતું. આજે પણ અહીં સ્વચ્છતા અભિયાનનું બોર્ડ લાગેલું છે, પરંતુ તેની નીચેની વાસ્તવિક સ્થિતિ તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરે છે.

વડગામ તાલુકાના ૧૧૦થી વધુ ગામોમાંથી દરરોજ સેંકડો લોકો, મહિલાઓ અને વૃદ્ધો તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરી ખાતે વિવિધ કામો માટે આવે છે. આ ઉપરાંત બસ સ્ટેન્ડ પર આવતા મુસાફરો પણ આ જાહેર શૌચાલયનો ઉપયોગ કરે છે. તેમ છતાં શૌચાલયની હાલત અત્યંત દયનીય બની ગઈ છે.
શૌચાલયમાં ગંદકી, દુર્ગંધ અને પાણીનો અભાવ

હાલની સ્થિતિમાં શૌચાલયના કમ્પાઉન્ડની દિવાલો તૂટી ગઈ છે અને અનેક જગ્યાએ પ્લાસ્ટર પણ ઉખડી ગયું છે. અંદર ગંદકીના ઢગલા, અસહ્ય દુર્ગંધ તેમજ પાણીની સુવિધાના અભાવને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
શૌચાલયની બહારની તરફ આવેલા ખુલ્લા પેશાબઘરની દિવાલો પણ તૂટી ગયેલી અને જોખમી હાલતમાં છે. જ્યારે કાટ ખાઈ ગયેલો ચેનલ ગેટ પણ બંધ હાલતમાં જોવા મળે છે. પરિણામે લોકોને શૌચાલયની યોગ્ય સુવિધા ન મળતાં ખુલ્લામાં જવાની ફરજ પડી રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
જર્જરિત બાંધકામથી અકસ્માતની દહેશત
જાહેર શૌચાલયનું બાંધકામ જર્જરિત થઈ ગયું હોવાથી કોઈ દિવસ તેનો ભાગ તૂટી પડવાથી અકસ્માત સર્જાય તેવી દહેશત પણ લોકોમાં જોવા મળી રહી છે. જાહેર સ્થળ અને બસ સ્ટેન્ડની નજીક હોવાના કારણે તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક ધ્યાન આપવામાં આવે તેવી લોકોની માંગ છે.
સ્થાનિક લોકોની માંગ છે કે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી આ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરાવી જર્જરિત જૂના શૌચાલયને દૂર કરી તેની જગ્યાએ સ્વચ્છ, સુરક્ષિત અને સુવિધાયુક્ત નવું જાહેર શૌચાલય બનાવે. સાથે જ તેનું “પે એન્ડ યુઝ” ધોરણે યોગ્ય સંચાલન કરવામાં આવે તો સ્વચ્છતા જળવાઈ રહે અને તાલુકા મથકે આવતા લોકોને પણ સારી સુવિધા મળી શકે.
— પવન એક્સપ્રેસ | વડગામ
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
