પાલનપુરના ચડોતર પાસે અમૂલ દૂધના ટ્રકમાં મોડી રાત્રે આગ ભભૂકી
ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો; સમયસૂચકતાથી જાનહાનિ ટળી
પવન એક્સપ્રેસ | પાલનપુર

પાલનપુર, ચડોતર: પાલનપુર-ડીસા હાઇવે પર આવેલા ચડોતર ગામ નજીક મોડી રાત્રે અમૂલ પ્રોડક્ટ્સનો સામાન લઈ પસાર થઈ રહેલા એક આઇસર ટ્રકના આગળના ભાગમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ટ્રક ચાલક અને ફાયર વિભાગની સમયસૂચકતાના કારણે સદનસીબે મોટી જાનહાનિ કે નુકસાન ટળી ગયું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ અમૂલ પ્રોડક્ટ્સની વિવિધ ચીજવસ્તુઓ વિવિધ સેન્ટર પર પહોંચાડતી આઇસર ટ્રક રાત્રિના સમયે પાલનપુર-ડીસા હાઇવે પરથી પસાર થઈ રહી હતી. દરમિયાન ચડોતર ગામ નજીક ટ્રકના આગળના ભાગમાંથી અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ટ્રક ચાલકે સમયસૂચકતા વાપરી ટ્રકને રસ્તાની બાજુમાં ઊભી રાખી તાત્કાલિક નીચે ઉતરી ગયો હતો.
ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી
ટ્રકમાં આગ લાગવાની જાણ થતાં પાલનપુર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ટીમે સળગતા ટ્રક પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગની ઘટનાને પગલે હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકોમાં પણ થોડા સમય માટે ફફડાટ ફેલાયો હતો. જોકે ફાયર વિભાગની ઝડપી કામગીરીથી આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી.
શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની પ્રાથમિક શક્યતા
પ્રાથમિક તપાસમાં ટ્રકના વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી અને મોટી દુર્ઘટના ટળી જતા તંત્ર તથા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
— પવન એક્સપ્રેસ | પાલનપુર
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
