રક્ષાબંધન નિમિત્તે પોસ્ટ વિભાગની વિશેષ પહેલ: ડિઝાઇનર રાખડી કવર અને ગિફ્ટ બોક્સથી દેશ-વિદેશમાં સરળતાથી મોકલી શકાશે રાખડી
પવન એક્સપ્રેસ | પાલનપુર
પાલનપુર, તા. 6 ઓગસ્ટ: રક્ષાબંધનના પવિત્ર તહેવારને અનુલક્ષીને ભારતીય પોસ્ટ વિભાગે બહેનો માટે વિશેષ સુવિધાની શરૂઆત કરી છે. હવે બહેનો પોતાના ભાઈને રાખડી સુરક્ષિત, આકર્ષક અને સમયસર પહોંચાડી શકે તે માટે પોસ્ટ વિભાગ દ્વારા વિશેષ ડિઝાઇનર રાખડી કવર તેમજ ગિફ્ટ બોક્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
ઉત્તર ગુજરાત પરીક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવના હસ્તે આ વિશેષ રાખડી કવર અને ગિફ્ટ બોક્સનું અનાવરણ કરવામાં આવ્યું હતું. વોટર-રેઝિસ્ટન્ટ આકર્ષક રાખડી કવર અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના તમામ હેડ પોસ્ટ ઓફિસ, સબ પોસ્ટ ઓફિસ, બ્રાન્ચ પોસ્ટ ઓફિસ તેમજ રેલવે મેઇલ સર્વિસના કાઉન્ટરો પર ઉપલબ્ધ રહેશે.
પોસ્ટ વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાયેલ 11 સે.મી. × 22 સે.મી. કદના વિશેષ રાખડી કવરની કિંમત માત્ર ₹10 (પોસ્ટેજ ચાર્જ સિવાય) રાખવામાં આવી છે.
રાખડી ઉપરાંત મીઠાઈ, ભેટવસ્તુઓ અને અન્ય ઉપહાર મોકલવા માટે પોસ્ટ વિભાગે 250 ગ્રામ, 500 ગ્રામ અને 1 કિલોગ્રામ ક્ષમતાના ગિફ્ટ બોક્સ પણ ઉપલબ્ધ કરાવ્યા છે. આ ગિફ્ટ બોક્સ અનુક્રમે ₹35, ₹40 અને ₹50ના દરે મળશે, જેના માધ્યમથી દેશ તેમજ વિદેશમાં સરળતાથી પાર્સલ મોકલી શકાશે.
પોસ્ટ વિભાગ દ્વારા રાખડી સમયસર પહોંચે તે માટે વિશેષ સોર્ટિંગ વ્યવસ્થા, નેશનલ સોર્ટિંગ હબ અને પાર્સલ હબમાં ઝડપી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉપરાંત ઇન્ટરનેશનલ ટ્રેક્ડ પેકેટ સેવા દ્વારા વિદેશમાં પણ ઓછા ખર્ચે રાખડી મોકલવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
રક્ષાબંધન દરમિયાન ગ્રાહકોને કોઈ અગવડતા ન પડે તે માટે અમદાવાદ, હિંમતનગર અને મહેસાણા સહિતના મુખ્ય કેન્દ્રો પર 24 કલાક પોસ્ટ બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ડીસા મુખ્ય ડાકઘર અને પાલનપુર હેડ પોસ્ટ ઓફિસ સહિતના પસંદગીના ડાકઘરોમાં સાંજે 8 વાગ્યા સુધી પોસ્ટ બુકિંગની વિશેષ સુવિધા ઉપલબ્ધ રહેશે.
પોસ્ટ વિભાગે બહેનોને અપીલ કરી છે કે રક્ષાબંધનના તહેવાર દરમિયાન રાખડી અને ભેટવસ્તુઓ સમયસર પહોંચે તે માટે વહેલી તકે પોસ્ટ બુકિંગ કરાવી આ વિશેષ સુવિધાનો લાભ લે.
– પવન એક્સપ્રેસ, પાલનપુર
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
