પાલનપુર દિલ્હી ગેટ સર્કલ નજીક દાબેલી લારી ચલાવતો વેપારી તલવારથી હુમલો થતાં ત્રણની અટકાયત…

પાલનપુરમાં દાબેલી વેપારી પર તલવારથી હુમલો : પૂર્વ પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત, વેપારીઓમાં રોષ
પવન એકસપ્રેસ પાલનપુર, તા. 6 ઓગસ્ટ: પાલનપુર શહેરના દિલ્હી ગેટ સર્કલ નજીક વિક્ટોરિયા લાઇબ્રેરી પાસે દાબેલીની લારી ચલાવતા એક વેપારી પર તલવારથી હુમલો થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે પૂર્વ પોલીસ સ્ટેશને ઝડપી કાર્યવાહી કરીને મુખ્ય આરોપી સહિત ત્રણ શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, દિલ્હી ગેટ વિસ્તારમાં દાબેલીની લારી ચલાવતા પંકજ પંજાબી સાથે એક રીક્ષા અડી જતાં બોલાચાલી થઈ હતી. આ બાબતનું મનદુઃખ રાખી રીક્ષા ચાલક શાહનવાજ ઉર્ફે સાજીદ શેખ પોતાના અન્ય બે સાગરીતો સાથે પરત આવ્યો હતો અને વેપારી પર તલવાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં વેપારીના પેટના જમણા ભાગે ઈજા પહોંચતાં તેને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
હુમલા બાદ ત્રણેય આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જોકે પૂર્વ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી મોડી સાંજે બી. શારદા મેડિકલ નજીક રીક્ષા સ્ટેન્ડ વિસ્તારમાંથી મુખ્ય આરોપી શાહનવાજ ઉર્ફે સાજીદ શેખ, સોહીલ સબીરખાન અને સલીમખાન બલોચને ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણેયની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.
બનાવ બાદ દિલ્હી ગેટ વિસ્તારમાં ટ્રાફિક પોલીસનો પોઈન્ટ વધારી દેવાયો હતો તેમજ ગેરરીતિથી ઉભી રહેતી કેટલીક રીક્ષાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે દિલ્હી ગેટ, લીલાવતી હોસ્પિટલ અને વિક્ટોરિયા લાઇબ્રેરી આસપાસ આડેધડ રીક્ષાઓ ઊભી રહેવાના કારણે વારંવાર ટ્રાફિક સમસ્યા અને ઝઘડાની સ્થિતિ સર્જાય છે. આ મુદ્દે અગાઉ પણ પોલીસ તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કાયમી ઉકેલ આવ્યો નથી. વેપારીઓએ હવે આ વિસ્તારમાં કાયમી પોલીસ પોઈન્ટ મૂકવાની માંગ ફરી એકવાર ઉઠાવી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય.
પૂર્વ પોલીસ સમગ્ર ઘટનાની વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.
અહેવાલ : ભીખાલાલ પ્રજાપતિ
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
