પાલનપુરના વોર્ડ નં. ૨ માં માનસરોવર રોડ ડીપી થી વિજયચોક સુધીનો ખોદાયેલ માર્ગ સ્થાનિકો માટે માથાનો દુખાવો, નગરપાલિકા સામે લોકોમાં ભારે રોષ

પાલનપુરના વોર્ડ નં. ૨ માં માનસરોવર રોડ ડીપી થી વિજયચોક સુધીનો ખોદાયેલ માર્ગ સ્થાનિકો માટે માથાનો દુખાવો, નગરપાલિકા સામે લોકોમાં ભારે રોષ

વોર્ડના કોર્પોરેટરોનું કઈ ચાલતું ના હોવાની રાડ કરતા નગરસેવક …

પાલનપુર: પાલનપુર નગરપાલિકાના વોર્ડ નં. ૨ વિસ્તારમાં આવેલા માનસરોવર રોડ પર ડીપીથી વિજયચોક સુધીનો માર્ગ લાંબા સમયથી ખોદેલી હાલતમાં પડ્યો હોવાથી સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. માર્ગનું કામ અધૂરું રહેતાં વાહનચાલકો, રાહદારીઓ, વૃદ્ધો, બાળકો તેમજ આસપાસના સોસાયટીના રહેવાસીઓને રોજિંદા અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, માર્ગ ખોદ્યા બાદ તેને સમયસર સમતળ કરીને પુનઃ બનાવવામાં આવ્યો નથી. જેના કારણે ધૂળ, કાદવ અને અસમતળ રસ્તાથી અકસ્માતનો ભય સતત રહે છે. આ મુદ્દે લોકોમાં નગરપાલિકા અને વિસ્તારના ચૂંટાયેલા નગરસેવકો પ્રત્યે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિને વધુ ગંભીર બનાવતી બાબત એ છે કે, આ વિસ્તારમાં પાણીની પાઇપલાઇન તૂટી જવાના કારણે વરસાદ વગર પણ રસ્તા પર સતત પાણી ભરાયેલું રહે છે. પરિણામે કાદવ અને ગંદકી ફેલાઈ રહી છે તથા મચ્છરોના ઉપદ્રવની પણ ભીતિ ઊભી થઈ છે. પાણીના સતત ભરાવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ માર્ગ પર આવેલા હનુમાનજી મંદિર અને શિવ મંદિર સુધી પહોંચવામાં પણ ભક્તોને ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને સવારે અને સાંજે દર્શન માટે આવતા વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને પાણી અને કાદવમાંથી પસાર થવું પડે છે, જેના કારણે ધાર્મિક સ્થળે પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે. સ્થાનિક સોસાયટીના રહેવાસીઓએ અનેક વખત સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરી હોવાનો દાવો કર્યો છે. તેમ છતાં હજુ સુધી સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.

વિસ્તારના રહેવાસીઓએ પાલનપુર નગરપાલિકા અને જવાબદાર અધિકારીઓને તાત્કાલિક તૂટેલી પાણીની લાઇનનું સમારકામ કરી માર્ગનું કામ પૂર્ણ કરવા તેમજ રસ્તા પર ભરાતા પાણીનો કાયમી નિકાલ કરવાની માંગ કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ લોકશાહી ઢબે ઉગ્ર રજૂઆત અને વિરોધ કાર્યક્રમ હાથ ધરવા મજબૂર બનશે. હાલ સમગ્ર વિસ્તારના લોકોની નજર નગરપાલિકાના તંત્ર પર છે કે આ ગંભીર સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading