ગોવા ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા યાસ નેશનલ લેવલ સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના સમર્થ સોલંકીએ સિલ્વર મેડલ મેળવી શાળા અને બનાસકાંઠાનું ગૌરવ વધાર્યું
ગોવા ખાતે તા. 26 થી 29 જૂન, 2026 દરમિયાન ઓલ ઇન્ડિયા યાસ નેશનલ લેવલ ચેમ્પિયનશિપ–2026નું આયોજન યુથ સ્પોર્ટ્સ એક્ટિવિટી એસોસિએશન ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય કક્ષાની સ્કેટિંગ (ઇનલાઇન) સ્પર્ધામાં દેશભરના પ્રતિભાશાળી ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુર અંતર્ગત શ્રીમતી એસ.સી. સાળવી અને શ્રીમતી એમ.એસ. સાળવી પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થી સમર્થ કલ્પેશકુમાર સોલંકીએ અંડર-14 ઇનલાઇન સ્કેટિંગ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને શાળા, પાલનપુર તથા સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવભેર ઉજ્જવળ બનાવ્યું છે.
સમર્થ સોલંકીની આ નોંધપાત્ર સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ, આચાર્ય શ્રી રવિભાઈ મેણાત તથા ઉપાચાર્યા શ્રીમતી રંજનબેન પટેલના હસ્તે સમર્થ સોલંકીને મેડલ અને પ્રશંસાપત્ર (સર્ટિફિકેટ) અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શાળાના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે રમતગમત વિદ્યાર્થીઓમાં શિસ્ત, આત્મવિશ્વાસ, નેતૃત્વ, પરિશ્રમ અને રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ કરે છે. સમર્થ સોલંકીની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે અને ભવિષ્યમાં તેઓ વધુ ઊંચા સ્તરે સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
સમગ્ર શાળા પરિવાર, શિક્ષકગણ, વાલીમિત્રો તથા રમતગમત પ્રેમીઓએ સમર્થ સોલંકીને હાર્દિક અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
