ભાવનગર : હેડ કોન્સ્ટેબલને આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ ઘોઘા PSI વિરુદ્ધ ગુનો દાખલ

આઠ દિવસના અંતે મૃતકના પિતાની ફરિયાદ લેવાઈ: ‘સાહેબના માનસિક ત્રાસથી કંટાળીને દીકરાએ જીવ દીધો’- નિવૃત્ત પોલીસકર્મી પિતાનો આક્ષેપ
ભાવનગર પોલીસ બેડામાં ભારે ચકચાર જગાવનાર ઘોઘા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના આત્મહત્યા પ્રકરણમાં આખરે 8 દિવસ બાદ મહત્વનો વળાંક આવ્યો છે. મૃતક કોન્સ્ટેબલને આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ ઘોઘા પોલીસ મથકના જ PSI બી.કે. ગોસ્વામી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવતા પોલીસ આલમમાં સ્તબ્ધતા વ્યાપી ગઈ છે.
પિતાની ફરિયાદ પરથી કાર્યવાહી
આ બનાવ અંગે મૃતક દિગ્વિજયસિંહના પિતા જયદેવસિંહ ગોહિલ, જેઓ પોતે પણ નિવૃત્ત પોલીસ કર્મચારી છે, તેમણે ઘોઘા પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પરિવારનો સ્પષ્ટ અને ગંભીર આક્ષેપ છે કે, PSI ગોસ્વામી દ્વારા તેમના પુત્રને સતત માનસિક ત્રાસ અને હેરાનગતિ કરવામાં આવતી હતી. ઉપરી અધિકારીના આ અસહ્ય વર્તનને કારણે જ દિગ્વિજયસિંહે પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી.
ઘટનાક્રમ શું હતો ?
ગત 21 જાન્યુઆરીના રોજ ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે ચાલુ ફરજ દરમિયાન ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામ નજીક પોતાની કારમાં ઝેરી દવા પી લીધી હતી. તેમને ગંભીર હાલતમાં પ્રથમ ખાનગી અને ત્યારબાદ ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 22 જાન્યુઆરીના રોજ તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
ન્યાય માટે પરિવારની લડત
યુવાન પુત્રના મોત બાદ પરિવારજનોએ ન્યાય માટે સતત માંગણી ચાલુ રાખી હતી. આખરે ઘટનાના આઠ દિવસ બાદ પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે PSI બી.કે. ગોસ્વામી વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ સામે તેમના જ તાબાના કર્મચારીને મરવા માટે મજબૂર કરવાનો ગુનો નોંધાતા સમગ્ર જિલ્લામાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
