સતલાસણા નજીક મીની પાવાગઢ ખાતે કરુણ દુર્ઘટના: દર્શન કરીને પરત ફરતા દંપતીનાં મોત
ઉમરેચા નજીક પહાડ પર એક્ટિવા સ્લીપ થતાં પતિ-પત્ની નીચે પટકાયાં; સાલડી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું
પવન એક્સપ્રેસ | મહેસાણા
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ઉમરેચા ગામ નજીક આવેલા મીની પાવાગઢ તરીકે જાણીતા પહાડ પર ગતરોજ એક કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. મહાકાળી માતાજીનાં દર્શન કરીને પરત ફરી રહેલું દંપતી એક્ટિવા સ્લીપ થતાં પહાડ પરથી નીચે પટકાયું હતું. આ દુર્ઘટનામાં પતિ અને પત્ની બંનેનાં મોત નીપજતાં પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, સાલડી ગામના રહેવાસી રમણજી ઠાકોર અને તેમનાં પત્ની ચંદ્રિકાબેન ઠાકોર એક્ટિવા લઈને ઉમરેચા નજીક આવેલા મીની પાવાગઢ ખાતે મહાકાળી માતાજીનાં દર્શન કરવા ગયાં હતાં. દર્શન કરીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન પહાડ પર અચાનક એક્ટિવા સ્લીપ થઈ જતાં બંને વાહન પરથી નિયંત્રણ ગુમાવી નીચે પટકાયાં હતાં.
પહાડ પરથી નીચે પટકાવાને કારણે દંપતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ દુર્ઘટનામાં બંનેનાં કરુણ મોત નીપજ્યાં હતાં. ધાર્મિક સ્થળે દર્શન કરવા ગયેલા પતિ-પત્નીનું એકસાથે અવસાન થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.
પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો
સાલડી ગામના સરપંચ ગેમરજીના જણાવ્યા અનુસાર, મૃતક દંપતીને એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રીનાં લગ્ન થઈ ગયાં છે, જ્યારે પુત્રનાં લગ્ન થવાનાં બાકી છે. પરિવાર માટે આ દુર્ઘટના અત્યંત આઘાતજનક બની છે.
ગામમાં એકસાથે બે સભ્યોનાં મોતના સમાચાર ફેલાતાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. અંતિમવિધિ દરમિયાન પરિવારજનો અને ગ્રામજનોની આંખો ભીની થઈ ગઈ હતી.
પવન એક્સપ્રેસ | પવનવેગે પ્રસરતા સમાચાર
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
