આદર્શ વિદ્યાલય વડગામ ખાતે શ્રાવણ માસના અંતિમ સોમવારે ભોજન પ્રસાદી યોજાઈ
પૂર્વ મામલતદાર જેઠાભાઈ ડેકલીયા પરિવારનું પ્રેરણાદાયી સેવાકાર્ય
પવન એક્સપ્રેસ | વડગામ
તસવીર અહેવાલ : પુષ્કર ગોસ્વામી, વડગામ
વડગામની નામાંકિત શૈક્ષણિક સંસ્થા આદર્શ વિદ્યાલય ખાતે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે ભક્તિસભર માહોલમાં ભોજન પ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસની પૂર્ણાહુતિના પાવન અવસરે યોજાયેલા આ સેવાકાર્યમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ તથા સ્ટાફ પરિવારે ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે વડગામ તાલુકા આંજણા કેળવણી મંડળના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ આર. ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. તેમણે ડેકલીયા પરિવાર દ્વારા કરવામાં આવેલા આ સેવાકાર્યને બિરદાવી વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા.
ભોજન પ્રસાદીનું સેવાભાવી આયોજન વડગામના પૂર્વ મામલતદાર શ્રી જેઠાભાઈ ડી. ડેકલીયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે શાળાના બાળકોને ભોજન કરાવી ડેકલીયા પરિવારે સમાજમાં સેવા અને પરોપકારનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ભોજન પ્રસાદી પૂર્વે શાળામાં ભગવાન શિવની આરાધના તથા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવાર માટે ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ જી.આર. ચૌધરી તથા ટ્રસ્ટી મંડળના મહાનુભાવોના વરદહસ્તે ભોજન દાતા પૂર્વ મામલતદાર જેઠાભાઈ ડેકલીયા પરિવારનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પૂર્વ મામલતદાર કાંમરાજભાઈ ઉપલાણા (મગરવાડા), વડગામ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન માંઘજીભાઈ જી. પટેલ, મંત્રી અભેરાજભાઈ ચૌધરી, પૂર્વ ટી.ડી.ઓ. કેશરભાઈ ઉપલાણા, ભગવાનભાઈ ડેકલીયા, પૂર્વ સરપંચ અભેરાજભાઈ ગોળ (પેપોળ), રતુભાઈ ગોળ સહિત તમામ પદાધિકારીઓ, ટ્રસ્ટીઓ, વાલીમંડળના પ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ તથા શાળા પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના આચાર્ય શ્રી દિનેશભાઈ ચૌધરી તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસના પાવન અવસરે યોજાયેલી આ ભોજન પ્રસાદીએ વિદ્યાર્થીઓમાં સેવા, સંસ્કાર અને પરોપકારની ભાવનાને વધુ પ્રબળ બનાવવાનો સંદેશ આપ્યો હતો.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
