પાલનપુર ન્યૂ બસપોર્ટ પાસે ફૂટપાથ પર દબાણો, તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલ
રાહદારીઓ માટે બનાવેલી ફૂટપાથ પર કબજો થતાં લોકો રોડ પર ચાલવા મજબૂર; અકસ્માત અને ટ્રાફિકની સમસ્યાનો ભય
પવન એક્સપ્રેસ | પાલનપુર

પાલનપુર: શહેરના ન્યૂ બસપોર્ટ જેવા અતિ વ્યસ્ત વિસ્તારમાં રાહદારીઓની સુવિધા અને સુરક્ષા માટે બનાવવામાં આવેલી ફૂટપાથ પર દબાણો જોવા મળતા તંત્રની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે. ફૂટપાથ પર દબાણો થતાં રાહદારીઓ માટે ચાલવાનો માર્ગ જ બંધ થઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
ફૂટપાથ પર દબાણોના કારણે રાહદારીઓને મુખ્ય માર્ગ પર ચાલવા મજબૂર થવું પડી રહ્યું છે. ન્યૂ બસપોર્ટ વિસ્તાર સતત વાહનવ્યવહારથી ધમધમતો રહેતો હોવાથી રોડ પર ચાલતા રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ પણ વધી શકે છે.
દબાણોથી ટ્રાફિક વ્યવસ્થા પર પણ અસર
ફૂટપાથ પર દબાણો માત્ર રાહદારીઓ માટે અસુવિધા ઊભી કરતા નથી, પરંતુ વ્યસ્ત વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા પર પણ તેની અસર જોવા મળી રહી છે. વાહનો અને રાહદારીઓ માટે ઉપલબ્ધ જગ્યા ઘટતા અવરજવરમાં મુશ્કેલી સર્જાવાની શક્યતા રહે છે.
સરકારી મિલકત અને જાહેર ઉપયોગ માટેની ફૂટપાથ પર કોઈપણ પ્રકારનું દબાણ થાય તો તેને દૂર કરવાની જવાબદારી સંબંધિત તંત્રની બને છે. ત્યારે ન્યૂ બસપોર્ટ જેવા મહત્વના વિસ્તારમાં લાંબા સમયથી દબાણો હોય તો સંબંધિત તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? તેવો સવાલ સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે.
ફૂટપાથ દબાણમુક્ત કરવાની માંગ
રાહદારીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને ન્યૂ બસપોર્ટ વિસ્તારની ફૂટપાથનું તાત્કાલિક નિરીક્ષણ કરી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. સાથે જ દબાણ દૂર થયા બાદ ફરીથી દબાણ ન થાય તે માટે નિયમિત દેખરેખ રાખવામાં આવે તેવી પણ અપેક્ષા છે.
નાગરિકોની સુરક્ષા, રાહદારીઓની સુવિધા અને શહેરની ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
પવન એક્સપ્રેસ | પાલનપુર
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
