
જામનગર વિજરખી ડેમમાં કથિત ગેરકાયદેસર મજાર હટાવવા ‘હિન્દ રક્ષક સંઘ’ દ્વારા કલેક્ટરને રજૂઆત.
જામનગર: જામનગરના વિજરખી ડેમની સરકારી જમીનમાં મુખ્ય માર્ગથી અંદાજે 100થી 150 મીટર અંદરના વિસ્તારમાં કથિત રીતે ગેરકાયદેસર મજારનું નિર્માણ કરવામાં આવ્યું હોવાના મુદ્દે હિન્દ રક્ષક સંઘ દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે સંઘ દ્વારા જામનગર કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી તપાસ અને નિયમોનુસાર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
હિન્દ રક્ષક સંઘના જણાવ્યા મુજબ, વિજરખી ડેમ જામનગરની જીવાદોરી સમાન મહત્વ ધરાવે છે. આવા સંવેદનશીલ અને મહત્વપૂર્ણ સ્થળે સરકારી જમીન પર કથિત ગેરકાયદેસર નિર્માણ અંગે તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ડેમ વિસ્તારમાં થયેલા આ કથિત દબાણ અંગે સ્થળ નિરીક્ષણ કરી કાયદેસર હકીકતની તપાસ કરવામાં આવે અને જો નિર્માણ ગેરકાયદેસર હોવાનું જણાય તો નિયમોનુસાર તેને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે. સાથે જ જવાબદાર વ્યક્તિઓ સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.
આ રજૂઆત દરમિયાન હિન્દ રક્ષક સંઘના સંસ્થાપક અધ્યક્ષા ડૉ. સીમાબેન પટેલ, લીલુબેન મોઢવાડીયા, દુર્ગા સેના રાષ્ટ્રીય અધ્યક્ષા કુ. રાધાબેન પટેલ, હિંમતભાઈ ગોરી, દીપકભાઈ દવે, ભીમાભાઈ વાઘેલા, ધર્મેન્દ્રસિંહ વાળા અને ભાર્ગવભાઈ દવે સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો અને સનાતનીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ મામલે હવે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થળ તપાસ અને નિયમોનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તેના પર સૌની નજર રહેશે.
✍️ અહેવાલ: પવન એક્સપ્રેસ
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
