ડીસામાં અખાદ્ય મરચાંનો જથ્થો ઝડપાયો
આરોગ્ય માટે જોખમી કૃત્રિમ કલર પાવડર સહિતનો જથ્થો જપ્ત; ફૂડ સેફ્ટી વિભાગે ૯ સેમ્પલ તપાસ માટે મોકલ્યા
પવન એક્સપ્રેસ | ડીસા

ડીસા, તા. 24 ઓગસ્ટ: જાહેર જનતાના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર વર્તુળ કચેરી દ્વારા ડીસા ખાતે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તા. 23 ઓગસ્ટ, 2026ના રોજ ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી ટી. એચ. પટેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે ડીસા GIDCના પ્લોટ નં. 51 ખાતે આવેલી મેસર્સ શ્રી દર્શન માર્કેટિંગ પેઢી પર દરોડો પાડવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન પેઢીના માલિક શ્રી શિવમ સંજયકુમાર મહેસુરીયા દ્વારા મરચું પાવડરના ઉત્પાદનમાં કૃત્રિમ રંગ (ડાઈ), ઘઉંનું ભૂસું અને ધાણા પાવડર જેવા પદાર્થોની ભેળસેળ કરવામાં આવતી હોવાની વિગતો સામે આવી હતી.
પ્રાથમિક તપાસમાં કૃત્રિમ રંગની હાજરી
સ્થળ પર સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર શ્રીમતી એચ. વી. ગુર્જર, ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી એમ. એલ. ગુર્જર તથા શ્રી કે. કે. ચૌધરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
ફૂડ સેફ્ટી વાનના કેમિસ્ટ શ્રી પી. એમ. ચૌધરી દ્વારા ‘મેજિક બોક્સ’ મારફતે કરવામાં આવેલી પ્રાથમિક તપાસ દરમિયાન મરચું પાવડરના નમૂનાઓમાં કૃત્રિમ રંગની હાજરી મળી આવી હતી.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 હેઠળ સ્થળ પરથી મરચું પાવડર, ઘઉંનું ભૂસું, ધાણા પાવડર અને કલર પાવડર સહિત કુલ ૯ નમૂનાઓ લેવામાં આવ્યા છે, જેને વધુ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
૩,૫૭૧ કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો જપ્ત
તપાસ દરમિયાન અંદાજે ૩,૫૭૧ કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો, જેની અંદાજિત કિંમત રૂ. ૨.૪૫ લાખ હોવાનું જણાવાયું છે, જપ્ત કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત પેઢીમાં મળી આવેલા અંદાજે ૨,૫૦૦ કિલોગ્રામ એક્સપાયરી તથા બિનઆરોગ્યપ્રદ લૂઝ મરચું પાવડરના જથ્થાનો ડમ્પિંગ સાઇટ ખાતે તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો.
આમ, કુલ ૬,૦૭૧ કિલોગ્રામ શંકાસ્પદ જથ્થા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 હેઠળ વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.
જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે તંત્રની આ કાર્યવાહીથી ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
— પવન એક્સપ્રેસ | ડીસા
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
