પાલનપુર નગરપાલિકામાં વિપક્ષની ચેમ્બરમાં સેનીટેશન શાખા શરૂ થતાં વિવાદ
પ્રમુખની ખાતરી બાદ પણ કોંગ્રેસને વૈકલ્પિક ચેમ્બર ન ફાળવાતા રોષ
પાલનપુર: પાલનપુર નગરપાલિકામાં નવ નિયુક્ત વિવિધ સમિતિઓના ચેરમેનોએ વિધિવત રીતે પોતપોતાના ચાર્જ સંભાળી વહીવટી કામગીરીનો પ્રારંભ કર્યો છે. જોકે આ દરમિયાન છેલ્લા લગભગ દસ વર્ષથી વિપક્ષના સભ્યોની બેઠક માટે ફાળવવામાં આવેલી ચેમ્બરમાં સેનીટેશન શાખા કાર્યરત કરવામાં આવતા નવો વિવાદ સર્જાયો છે.
મળતી માહિતી મુજબ, વર્ષોથી વિપક્ષના સભ્યોની બેઠક માટે ઉપયોગમાં લેવાતી ચેમ્બર એકાએક અન્ય વિભાગને ફાળવી દેવામાં આવતા કોંગ્રેસના સભ્યોમાં ભારે રોષ ફેલાયો હતો. વિપક્ષના સભ્યોએ પોતાની બેઠક માટે અન્ય ચેમ્બરની ફાળવણી કરવાની માંગણી કરતા પાલિકા પ્રમુખ દ્વારા બાજુમાં અન્ય ચેમ્બર ફાળવવાની ખાતરી આપવામાં આવી હોવાનું જણાવાયું હતું.
જોકે, ખાતરી આપવામાં આવ્યા બાદ બીજા દિવસે પણ મોડી સાંજ સુધી વિપક્ષ કોંગ્રેસ માટે કોઈ વૈકલ્પિક ચેમ્બરની ફાળવણી કરવામાં ન આવતા કોંગ્રેસના સભ્યોમાં નારાજગી વધી હતી. કોંગ્રેસના સભ્યોએ આ મુદ્દે શાસક પક્ષ સામે લડી લેવાનો મિજાજ દર્શાવ્યો હોવાનું પણ જાણવા મળે છે.
આ ઘટનાને લઈને પાલિકા પરિસરમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. લોકોમાં એવી પણ ચર્ચા ઉઠી છે કે કોંગ્રેસના સભ્યો આખો દિવસ નગરપાલિકામાં હાજર રહેતા હોવાથી તેમને બહાર કાઢવાના કોઈ કારસાના ભાગરૂપે વિપક્ષની ચેમ્બર અન્ય વિભાગને ફાળવવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, આ અંગે સત્તાવાર સ્પષ્ટતા સામે આવવાની બાકી છે.
હવે સૌની નજર પાલનપુર નગરપાલિકા તંત્ર પર મંડાઈ છે કે વિપક્ષ કોંગ્રેસના સભ્યોને વૈકલ્પિક ચેમ્બર ફાળવવામાં આવશે કે નહીં. આ મુદ્દે આગામી સમયમાં પાલિકાની રાજનીતિ વધુ ગરમાય તેવી શક્યતા પણ જોવામાં આવી રહી છે.
✍️ અહેવાલ: પવન એક્સપ્રેસ
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
