📰 પવન એક્સપ્રેસ
સહકારી અગ્રણી કે.પી. ચૌધરીએ ફતેગઢ ખાતે વરિષ્ઠ આગેવાન દુધાભાઈ પરમારની શુભેચ્છા મુલાકાત લીધી

ભાજપ સંગઠનને મજબૂત બનાવવામાં દુધાભાઈ પરમારની સેવાઓને યાદ કરી
ફતેગઢ | વડગામ : ફતેગઢ ખાતે બનાસ બેંકના ડિરેક્ટર, તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ વડગામના ચેરમેન તથા ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી કે.પી. ચૌધરીએ રવિવારે ભાજપના વરિષ્ઠ આગેવાન દુધાભાઈ પરમારની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન બંને આગેવાનો વચ્ચે સંગઠન અને સહકારી ક્ષેત્ર સહિત વિવિધ મુદ્દાઓ અંગે સ્નેહભર્યો સંવાદ થયો હતો.
દુધાભાઈ પરમાર વડગામ તાલુકા ભાજપના પાયાના અને સંનિષ્ઠ આગેવાન તરીકે જાણીતા છે. તેમણે ગામના વોર્ડ અને બુથ સ્તરથી લઈને તાલુકા સીટ, જિલ્લા સીટ તેમજ વિધાનસભા બેઠક સુધી ભાજપના સંગઠનને મજબૂત બનાવવા મહત્વપૂર્ણ કામગીરી કરી હોવાનું જણાવાયું હતું.
વર્ષ 1998માં ગુજરાત વિધાનસભાની વડગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે દુધાભાઈ પરમારે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. આ ચૂંટણીમાં તેઓ અંદાજે 2,572 મતના અંતરે પરાજિત થયા હતા.
આ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપના અનુસૂચિત જાતિ મોરચામાં જિલ્લા કક્ષાથી રાજ્ય કક્ષા સુધી સંગઠનને મજબૂત બનાવવા દુધાભાઈ પરમારે પ્રશંસનીય સેવાઓ આપી હતી. બનાસકાંઠા જિલ્લા પેન્શન યુનિયનના પ્રતિનિધિ તરીકે તેમજ ગુજરાતના પ્રતિનિધિ તરીકે ભારત સરકારના ડિરેક્ટર પદે પણ તેમણે સેવાઓ આપી હોવાનું જણાવાયું છે.
મુલાકાત દરમિયાન કે.પી. ચૌધરીએ દુધાભાઈ પરમારના સ્વાસ્થ્ય, સુખાકારી અને દીર્ઘાયુ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. બંને આગેવાનો વચ્ચેની આ શુભેચ્છા મુલાકાતને સ્થાનિક રાજકીય અને સહકારી ક્ષેત્રમાં સ્નેહસભર મુલાકાત તરીકે જોવામાં આવી રહી છે.
તસવીર અહેવાલ : પુષ્કર ગોસ્વામી, વડગામ
પવન એક્સપ્રેસ
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
