પાલનપુરની ભૂમિ ગુપ્તાને મળ્યો “નેશનલ બેસ્ટ થીમ સોંગ એવોર્ડ”
માતૃત્વની લાગણીને કલાત્મક અભિવ્યક્તિથી મળી રાષ્ટ્રીય ઓળખ..!

બાળકના જન્મ બાદ તેની યાદોને ચિરંજીવ બનાવવા માટે ફોટોશૂટ કરાવવાની પરંપરા હવે સામાન્ય બની ગઈ છે, પરંતુ પાલનપુરના ભૂમિ ગુપ્તાએ આ પરંપરાને એક અનોખું અને સર્જનાત્મક સ્વરૂપ આપીને નવી દિશા આપી છે. તેમણે પોતાના બાળકને કેન્દ્રમાં રાખીને એક વિશેષ થીમ આધારિત ફોટોશૂટ અને મનોરમ વિડિયો સોંગ તૈયાર કરાવ્યું હતું, જેને દર્શકો તરફથી નોંધપાત્ર પ્રતિસાદ અને લોકપ્રિયતા પ્રાપ્ત થઈ હતી.
આ અનોખા સર્જનને વધુ વ્યાપક ઓળખ અપાવવા માટે તેમણે પોતાના વિડિયો સોંગને તાજેતરમાં અમદાવાદ ખાતે આયોજિત ‘નેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં સ્પર્ધા માટે રજૂ કર્યું હતું. દેશભરમાંથી વિવિધ ભાષાઓના કુલ 129 જેટલા પ્રોજેક્ટ્સ વચ્ચે આ કૃતિએ પોતાની આગવી છાપ ઉભી કરી હતી.
ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત ભવ્ય એવોર્ડ સમારોહ દરમિયાન ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મ અને ટીવી જગતની જાણીતી અભિનેત્રી પિન્કી પરીખના વરદ હસ્તે ભૂમિ ગુપ્તાને “નેશનલ બેસ્ટ થીમ સોંગ એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન માત્ર તેમની સર્જનાત્મકતાનું જ નહીં પરંતુ માતૃત્વની ભાવનાઓને કલાત્મક રીતે રજૂ કરવાની તેમની અનોખી દ્રષ્ટિનું પણ પ્રતિબિંબ છે.
ઉલ્લેખનીય છે કે ભૂમિ ગુપ્તા પાલનપુર સ્થિત એડવાન્સ ગેસ્ટ્રો એન્ડ લીવર કેર હોસ્પિટલમાં ડાયરેક્ટર તરીકે સેવાઓ આપી રહ્યા છે અને સાથે સાથે એક પ્રતિભાશાળી આર્ટિસ્ટ તરીકે પણ સમાજમાં આગવું યોગદાન આપી રહ્યા છે. પાલનપુરની આ પ્રતિભાને મળેલી રાષ્ટ્રીય સિદ્ધિથી સમગ્ર પાલનપુર પંથકમાં ગૌરવ અને ખુશીનું વાતાવરણ છવાઈ ગયું હતું.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
