પાલનપુરમાં રિ-સર્વેમાં સરકારી જમીન ગાયબ થયાનો આક્ષેપ: સરકાર દ્વારા તપાસના આદેશ
પાલનપુર શહેરમાં રિ-સર્વે અને પ્રમોલગેશન પ્રક્રિયા દરમિયાન સરકારી જમીનોના ક્ષેત્રફળમાં ગેરરીતિ કરી કીમતી જમીન ગાયબ કરાયાના આક્ષેપો સાથે પાલનપુરના શરીફભાઈ ચશ્માવાલા દ્વારા મહેસૂલ વિભાગમાં રજૂઆત કરાઈ હતી જેના પગલે રાજ્ય સરકારના સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક કચેરીએ તપાસના આદેશ આપ્યા છે.
રજૂઆતમાં સરકારી તળાવો, નદી વહોળા, ખરાબા અને જાહેર હેતુની જમીનોના ક્ષેત્રફળમાં ઘટાડો કરી ખાનગી જમીનોમાં વધારો દર્શાવ્યાનો આક્ષેપ કર્યો છે. હવે જૂના અને નવા જમીન રેકોર્ડની તુલનાત્મક તપાસ હાથ ધરાશે.
પાલનપુર શહેરમાં થયેલ રિ-સર્વે દરમિયાન ફરજ પર રહેલા અધિકારીઓએ ખોટું પ્રમોલગેશન કરી સરકારી જમીનોના રેકોર્ડમાં ગંભીર ગેરરીતિ આચર્યાની ફરિયાદ રાજ્ય સરકાર સુધી પહોંચી છે.
પાલનપુરના રહેવાસી સૈયદ શરીફભાઈ ચશ્માવાલાએ તા.7 માર્ચ 2026ના રોજ મહેસૂલ વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે પાલનપુરમાં અનેક સરકારી જમીનોના ક્ષેત્રફળમાં ઘટાડો કરી લાગુ ખાનગી જમીનોમાં વધારો આપ્યો છે.
જમીન દફતર કચેરી જૂના-નવા રેકોર્ડ ચકાસાશે
સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક કચેરીએ હવે નાયબ નિયામક જમીન દફતર, અમદાવાદને સમગ્ર મામલે તપાસ કરી હકીકતલક્ષી અહેવાલ રજૂ કરવા સૂચના આપી છે. જેમાં જૂના અને નવા DSO રેકોર્ડ, 7/12 ઉતારા અને સરવે નંબરોની તુલનાત્મક ચકાસણી કરવાનો ઉલ્લેખ કર્યો છે.
સાથે જ તળાવો, નદી વહોળા, ખરાબા અને ગાડા માર્ગ જેવી સરકારી જમીનોના ક્ષેત્રફળમાં થયેલા ફેરફારોની વિગતવાર તપાસ કરવાની પણ સૂચના આપી છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
