બાળકોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પહેલ
બનાસકાંઠા અને વાવ-થરાદમાં ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ હેઠળ ૨૨૯૭ આંગણવાડીઓ બનશે આધુનિક અને સુરક્ષિત
બંને જિલ્લાની અત્યારસુધી ૧૧૦૪ કેન્દ્રોની કામગીરી પૂર્ણ કરાઈ જ્યારે ૧૧૫૮ કેન્દ્રોની કામગીરી વેગવંતી
ગ્રાન્ટ, લોકભાગીદારી અને CSR ફંડના સંગમથી આંગણવાડીઓનું થઈ રહ્યું બ્યુટિફિકેશન: ૧૬ ફેબ્રુઆરી સુધી ચાલશે વિશેષ ઝુંબેશ

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્રોને વધુ સુદ્રઢ, સુરક્ષિત અને આધુનિક બનાવવાના હેતુથી ૧૬ જાન્યુઆરીથી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર રાજ્યમાં ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૧૦૪ આંગણવાડી કેન્દ્રોમાં સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જ્યારે ૧૧૫૮ કેન્દ્રોમાં નવીનીકરણની પ્રક્રિયા હાલ પ્રગતિ હેઠળ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવશ્રી તથા કમિશ્નરશ્રીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને પૂર્વ-પ્રાથમિક શિક્ષણ અને પોષણ માટે આકર્ષક વાતાવરણ પૂરું પાડવાનો છે.
બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં કાર્યરત કુલ ૩૩૬૫ આંગણવાડી કેન્દ્રો પૈકી ૨૪૨૩ કેન્દ્રો પોતાના મકાન ધરાવે છે. જેમાંથી ૨૨૯૭ આંગણવાડી કેન્દ્રોને આ ઝુંબેશ હેઠળ આવરી લેવા માટે પાત્ર ગણવામાં આવ્યા છે. આ કેન્દ્રોમાં રંગકામ, નાના-મોટા સમારકામ, અંદર-બહારની સ્વચ્છતા અને સૌંદર્યીકરણની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. આ ઝુંબેશમાં સરકારી ગ્રાન્ટ ઉપરાંત લોકભાગીદારી અને CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) ફંડનો પણ સકારાત્મક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી આંગણવાડીઓનું ભૌતિક માળખું વધુ મજબૂત બને.
આ કામગીરીની વિગતો આપતા આઈ.સી.ડી.એસ વિભાગે જણાવ્યું હતું કે, નાના સમારકામ માટે ફાળવવામાં આવેલી રૂ. ૮,૫૦૦ની ગ્રાન્ટ હેઠળ અત્યાર સુધીમાં ૬૭૧ આંગણવાડીઓમાં કામ પૂર્ણ થયું છે અને ૧૦૦૮ કેન્દ્રોમાં કામ ચાલુ છે. જ્યારે મોટા સમારકામ અને મેઈન્ટેનન્સ માટેની રૂ. ૨.૦૦ લાખની ગ્રાન્ટ હેઠળ ૧૦ કેન્દ્રોમાં કામગીરી પૂર્ણ થઈ છે અને ૪૧ કેન્દ્રોમાં રીનોવેશન ચાલી રહ્યું છે. આ ઉપરાંત અન્ય સરકારી ભંડોળ દ્વારા પણ ૫ આંગણવાડીઓને આધુનિક બનાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ ઝુંબેશ માત્ર મરામત પૂરતી સીમિત નથી, પરંતુ તેમાં પીવાનું શુદ્ધ પાણી, શૌચાલયની સુવિધા, આકર્ષક વોલ પેઈન્ટિંગ અને પોષણ વાટિકા જેવા ૨૫ જેટલા વિવિધ માપદંડોને ધ્યાને લેવામાં આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે. દવે, વાવ-થરાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્તિક જીવાણી અને જિલ્લા પ્રોગ્રામ અધિકારી ઉષાબેન વાય.ગજ્જરના સીધા માર્ગદર્શન હેઠળ આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્રનો નિર્ધાર છે કે નિર્ધારિત સમયમર્યાદામાં આ કામગીરી પૂર્ણ કરી જિલ્લાના બાળકોને સુસજ્જ, સુરક્ષિત અને સુવિધાયુક્ત આંગણવાડી કેન્દ્રોની ભેટ આપવામાં આવે, જેથી ICDS અંતર્ગત મળતી આરોગ્ય અને પોષણની સેવાઓ વધુ અસરકારક બની શકે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
