માન સરોવર તળાવનું નિર્માણ ઇ.સ. ૧૬૨૮માં પાલનપુરના જાલોરી (ઝાલોરી) વંશના શાસક મલિક મુજાહિદ ખાન (નવાબ મુજાહિદ ખાન) દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે આ તળાવ તેમના પ્રિય રાણી માનબાઈને સમર્પિત કર્યું હતું. કેટલાક વર્ણનો અનુસાર, નવાબ તેમની રાણીની સુંદરતાથી એટલા મોહિત થયા હતા કે તેમણે તેની સ્મૃતિમાં આ તળાવ બનાવ્યું હતું.આ સમયે પાલનપુર જાલોરી વંશ હેઠળ હતું અને તળાવને “માન” (માનબાઈ) અને “સરોવર”ના સંયોજનથી નામ આપવામાં આવ્યું હતું.

૧૯૫૩ની બીજી ઓક્ટોબર – ગાંધી જયંતિએ પાલનપુરના બુદ્ધિજીવી વર્ગે એક વાત મૂકી કે આપણા પાલનપુરના માનસરોવર તળાવને હજુ વધું ઉંડું કરવાની જરૂર છે અને ‘આપણું તળાવ’ એ ભાવના ઊભી થતાં,સરકારી કર્મચારીઓ, રાજકીય નેતાઓ -કાર્યકરો અને સામાન્ય લોકો મળી ત્રણસો – ચારસો નાગરિકોએ શ્રમયજ્ઞ કરી માનસરોવર તળાવને ઉંડું કરવાનું કામ આરંભ્યું. કોદાળી લઈ થોડાક ખોદે, થોડા માટી તગારામાં ભરીને એક બીજાને, બીજો ત્રીજાને એમ લાંબી કતાર લગાવી પાસ કરે,માટી દૂર ફેંકાતી જાય.આમ આ કામ આઠ દિવસમાં પૂરું થયેલું.ત્યારે કોઈ એમ કહેતું નહિ કે આ ફરજ આની છે કે તેની છે – બધા એમજ માનતા કે નગરપાલિકા કે અન્ય સરકારી વિભાગો આપણા જ છે, શહેર પણ આપણું જ છે ! એ ભાવના – સંવેદના હતી.
એ વખતે શહેરમાં જ આવું થતું એમ ન હતું, ગામડામાં પણ આપણાપણાની ભાવના જોવા મળતી. પાલનપુરથી પાંચ કિલોમીટર દૂર આવેલા મલાણા ગામે વરસાદના પાણીથી જમીનનું ધોવાણ થતું હતું. તે અટકાવવા અને પાસેની ટેકરીઓ પર પડતા પાણીને સિંચાઈ માટે એકઠું કરવા કેટલાકને વિચાર આવતાં ગામના ૧૧૦૦ લોકો ભેગા થયા અને જાત મહેનતે શ્રમ યજ્ઞ કરીને ૧૨૦૦ ફૂટ લાંબો, ૨૦ ફૂટ ઉંચો અને ૨૫ ફૂટ પહોળો બંધ બાંધી દીધો હતો ! આ બંધ બંધાતાં ત્રણ મહિના લાગ્યા હતા. ગામના હિત માટે – ગામના ભલા માટે ગામ લોકો ત્રણ મહિના સુધી મફત મજૂરી કરે એને કયા શબ્દોમાં બિરદાવવું ?
આ જ રીતે મોરીયાના ગામ લોકોએ ગામનું તળાવ જાત મહેનતે ઉંડું કર્યું એટલું જ નહીં, ગામ માટે શાળાનું મકાન જાત મહેનતથી બાંધ્યું! પારપડાના ગામ લોકોએ ભેગા મળીને ગામના તળાવને જાત મહેનતે ઉંડું કર્યું ! આપણાપણાની ભાવના ગામડે ગામડે જાગૃત થઈ ગઇ. અને મડાણા, ગઢ, સરીપડા, કુંભાસણ અને ખારાના ગામ લોકોએ જાત મહેનતે ગામનાં તળાવો ઉંડાં કર્યા. તો ખરોડીયા અને કાળીમાટીના ગામ લોકોએ ગામના કૂવાઓ ગાળવાનું કામ ઉપાડી લીધું ! નવાઈની વાત એ હતી કે આ શ્રમયજ્ઞમાં બનાસકાંઠાના તે સમયના કલેક્ટર શ્રી મધુકર દેસાઈ, તેમનાં પત્ની શ્રીમતી લત્તાબેન દેસાઈ, ડી.એસ.પી. શ્રી ગોખલે અને તેમનાં પત્ની શ્રીમતી ઇંદુમતિબેન ગોખલે પણ લોકો સાથે તગારાં ઉપાડવામાં જોડાયેલાં.
પાલનપુરના માન સરોવર તળાવના કાંઠે બેસીને આપણા જ પાલનપુરના સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષી સાહેબ એમના બાળગોઠિયા સૈયદ મૂર્તુજા સમીમ પાલનપુરી પાસેથી સાહિર લુધિયાનવીની વિશ્વપ્રસિદ્ધ કવિતા ‘પરછાઈયાં’ સાંભળતા. ઉર્દુ ભાષા પ્રત્યે બક્ષી સાહેબને અનન્ય લગાવ હતો. એમના ઉર્દુ શાયરોમાં સાહિર લુધિયાનવી અને ફૈઝ અહેમદ ફૈઝ પ્રિય શાયરો હતા.
ફૈઝ અહેમદ ફૈઝના અનેક તેજાબી શેરો એમને કંઠસ્થ હતા.
“हम परवरिश-ए-लौह-ओ-क़लम करते रहेंगे
जो दिल पे गुज़रती है रक़म करते रहेंगे”
“मता-ए-लौह-ओ-क़लम छिन गई तो क्या ग़म है
कि ख़ून-ए-दिल में डुबो ली हैं उँगलियाँ मैं ने
ज़बाँ पे मोहर लगी है तो क्या :कि रख दी है
हर एक हल्का – ए – ज़ंजीर में ज़बाँ मैं ने”
પાલનપુરના ઐતિહાસિક સ્મારકોમાંનું એક આ તળાવ જાલોરી શાસકોના કાળનું મહત્વનું સ્મારક છે અને પાલનપુરના સાંસ્કૃતિક વારસાનો ભાગ છે.પ્રેમ અને સમર્પણનું પ્રતીક: રાજા-રાણીના પ્રેમ અને ભક્તિનું જીવંત ઉદાહરણ છે. આ તળાવ પાલનપુરની મુલાકાત લેનારા માટે ઐતિહાસિક અને પર્યાવરણીય બંને રીતે મહત્વપૂર્ણ છે.
- પાલનપુર વિકાસ સમિતિ
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
