ગાંધીનગરમાં ટાઈફોઈડનો કહેર: NHRC એ ગુજરાત સરકારને નોટિસ ફટકારી
નવી પાણી પુરવઠા વ્યવસ્થામાં ગંભીર ખામીઓ છતી થઈ; ગટરનું પાણી ભળતા 70 થી વધુ કેસ નોંધાયા, પંચે બે અઠવાડિયામાં માગ્યો જવાબ.
ગુજરાતની રાજધાની ગાંધીનગરના ચોક્કસ વિસ્તારોમાં દૂષિત પીવાના પાણીને કારણે ફેલાયેલા ટાઈફોઈડના કેસો અંગે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગએ આ મામલે સ્વયં સંજ્ઞાન (Suo Motu) લઈ ગુજરાત સરકારના મુખ્ય સચિવને નોટિસ પાઠવી છે અને બે અઠવાડિયામાં આ ગંભીર બેદરકારી અંગે વિગતવાર અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો છે.
સમસ્યાનું મૂળ પાઈપલાઈનમાં લીકેજ
NHRCના અવલોકન મુજબ ગાંધીનગર શહેરમાં તાજેતરમાં જ તૈયાર કરવામાં આવેલી નવી પાણી પુરવઠા વ્યવસ્થામાં ગંભીર ખામીઓ જોવા મળી છે. તપાસ દરમિયાન પાણીની પાઈપલાઈન નેટવર્કમાં 7 જેટલા લીકેજ પોઈન્ટ્સ મળી આવ્યા છે. આ લીકેજના કારણે ગટરનું ગંદું પાણી પીવાના શુદ્ધ પાણીની પાઈપલાઈનમાં ભળી રહ્યું છે જે બીમારી ફેલાવવાનું મુખ્ય કારણ બન્યું છે.
70 થી વધુ સક્રિય કેસ
રાજ્યના આરોગ્ય વિભાગના આંકડાઓ મુજબ હાલમાં શહેરના અમુક ચોક્કસ વિસ્તારોમાં ટાઈફોઈડના 70 સક્રિય કેસોની પુષ્ટિ કરવામાં આવી છે. આ સ્થિતિ નાગરિકોના સ્વાસ્થ્ય અને અધિકારોનું ઉલ્લંઘન હોવાનું માનીને NHRC એ કડક વલણ અપનાવ્યું છે.
NHRC એ માંગેલી વિગતો
પંચે સરકાર પાસે ટાઈફોઈડના ઇન્ડોર અને આઉટડોર દર્દીઓની વર્તમાન સ્વાસ્થ્ય સ્થિતિ શું છે ? દૂષિત પાણીનો પુરવઠો રોકવા અને લીકેજ રિપેર કરવા માટે અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે ? ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સરકાર પાસે શું પ્રસ્તાવિત યોજના છે ? જેવી માહિતી માંગી છે.
આ ઘટનાએ સ્માર્ટ સિટી તરીકે વિકસી રહેલા ગાંધીનગરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રહેલી નબળાઈઓ અને જાળવણીના અભાવ સામે પ્રશ્નો ઉભા કર્યા છે. હાલમાં તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ક્લોરિનેશન અને વૈકલ્પિક પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
