આર. આર.મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી.એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર દ્વારા એગોલા ગામે સાત દિવસીય NSS શિબિરનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું

આર. આર.મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી.એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર દ્વારા એગોલા ગામે સાત દિવસીય NSS શિબિરનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું

 

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુરના એન.એસ.એસ. (NSS) વિભાગ દ્વારા પાલનપુર તાલુકાના એગોલા ગામે સાત દિવસીય વિશેષ વાર્ષિક શિબિરનું અત્યંત શિસ્તબદ્ધ અને પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું.

શિબિરના પ્રથમ દિવસે જ્યારે સ્વયંસેવકોનું ગામમાં આગમન થયું ત્યારે ગ્રામજનો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે સ્વયંસેવકોએ જૂથ બનાવી આખા ગામની મુલાકાત લીધી હતી અને ગ્રામ સંપર્ક સાધીને શિબિરના ઉદ્દેશ્યો વિશે ગ્રામજનોને માહિતગાર કર્યા હતા.

બીજા દિવસે વહેલી સવારથી જ સેવાકીય પ્રવૃત્તિઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ગામની પ્રાથમિક શાળાના પટાંગણ તેમજ ગામના આસ્થાના કેન્દ્રો એવા પ્રાચીન મહાદેવ મંદિર અને મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં સઘન સફાઈ અભિયાન હાથ ધરીને ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’નો સંદેશ પાઠવ્યો હતો. તે જ દિવસે બૌદ્ધિક સત્રમાં હિદાયતભાઈ પરમાર દ્વારા ‘સાયબર ક્રાઇમ અને સુરક્ષા’ વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં વર્તમાન સમયમાં વધતા જતાં ઓનલાઈન ફ્રોડ, સોશિયલ મીડિયાના જોખમો અને ડિજિટલ યુગમાં સુરક્ષિત રહેવા માટેની મહત્વપૂર્ણ ટિપ્સ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને સમજાવી હતી.

શિબિરના ત્રીજા દિવસે કૃષિ અને પશુપાલન પર ભાર મૂકતા સ્વયંસેવકોએ ખેડૂતો અને પશુપાલકોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ખેતીમાં રાસાયણિક ખાતરોનો ત્યાગ કરી પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી, જેથી જમીન અને સ્વાસ્થ્ય બંને જળવાઈ રહે. આ જ દિવસે બપોર પછીના સત્રમાં જાણીતા વક્તા ડૉ. આર. જે. પાઠક દ્વારા સ્વયંસેવકોને કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે જરૂરી કૌશલ્યો વિશે પ્રેરણાદાયી વાતો કરી હતી.

ચોથા દિવસે પશુપાલકો માટે પશુ નિદાન અને સારવાર કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા પશુઓની તપાસ કરી મફત સારવાર આપવામાં આવી હતી. આ જ દિવસે નીતિનભાઈના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમોની સઘન તૈયારીઓ કરવામાં આવી હતી અને સાંજના સમયે ગામની શેરીઓમાં સફાઈ કરીને લોકોને વ્યસન મુક્તિ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા, જેમાં નશાની બદીથી થતા નુકસાન વિશે સૂત્રોચ્ચાર દ્વારા સમજ અપાઈ હતી.

શિબિરના પાંચમા દિવસે ગામમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું કારણ કે એન.એસ.એસ.ના સ્વયંસેવકો અને ગ્રામજનો વચ્ચે રસાખેંચની રસાકસીભરી સ્પર્ધા યોજાઈ હતી, જેણે ગ્રામીણ રમતગમત અને ખેલદિલીની ભાવના જગાડી હતી. તે જ દિવસે આરોગ્ય સત્રમાં વસંતભાઈ લિબાચિયાએ એચ.આઈ.વી. એડ્સ જેવા ગંભીર રોગો પર મહત્વપૂર્ણ માહિતી આપી હતી, જેમાં રોગની ગંભીરતા, તેનાથી બચવાના ઉપાયો અને સમાજમાં ફેલાતી ગેરમાન્યતાઓ દૂર કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

છઠ્ઠા દિવસે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વયંસેવકોએ બનાસ મેડિકલ કોલેજ (મોરીયા), પારપડા સ્થિત રામદેવપીર મંદિર અને કુશ્કલ નર્મદા પમ્પિંગ પ્લાન્ટની મુલાકાત લઈને ટેકનિકલ અને આધ્યાત્મિક જ્ઞાન મેળવ્યું હતું. તે જ રાત્રે એક ભવ્ય સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન થયું હતું, જેમાં સ્વયંસેવકો દ્વારા ગરબા, નાટકો, ડાન્સ અને માઈમ રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ૧૫૦થી વધુ ગ્રામજનો, શાળાના વિદ્યાર્થીઓ અને કોલેજના સ્ટાફગણે હાજરી આપી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો અને ગામમાં સામાજિક એકતાના દર્શન થયા હતા.

શિબિરના અંતિમ અને સાતમા દિવસે એગોલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને એન.એસ.એસ.ના સ્વયંસેવકોએ સાથે મળીને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી, જેણે વાતાવરણને દેશભક્તિ અને ઉત્સાહથી ભરી દીધું હતું. ત્યારબાદ સમાપન સમારોહમાં સાત દિવસ દરમિયાન થયેલી પ્રવૃત્તિઓની સમીક્ષા કરવામાં આવી હતી.

આ સમગ્ર કેમ્પનું સફળ આયોજન અને સંચાલન પ્રોગ્રામ ઓફિસર પ્રા. આર. ડી. વરસાત તથા ડૉ. અમીબેન પટેલ દ્વારા કુશળતાપૂર્વક કરવામાં આવ્યું હતું, જેમાં ચૌધરી દિનેશભાઇનો પૂરતો સહયોગ અને માર્ગદર્શન સાંપડ્યું હતું. કોલેજના પ્રિન્સીપાલ ડૉ. યોગેશ ડબગર અને ડાયરેક્ટર એકેડેમિક્સ ડો અમિત પરીખ દ્વારા સતત વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું અને તેમના સાથ-સહકારને કારણે જ આ શિબિર એગોલા ગામના વિકાસ અને વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં માઈલસ્ટોન સમાન સાબિત થઈ હતી. અંતે, ગ્રામજનોનો આભાર માની કેમ્પનું વિધિવત સમાપન કરવામાં આવ્યું હતું.

અહેવાલ : ભીખાલાલ પ્રજાપતિ


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading