સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના સ્કાઉટ-ગાઈડ વિંગની જિલ્લા રેલી કેમ્પમાં ગૌરવપૂર્ણ સિદ્ધિઓ


અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ
પાલનપુર ખાતે આવેલ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના સ્કાઉટ અને ગાઈડ વિંગે બનાસકાંઠા જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા તા. 23 થી 25 ફેબ્રુઆરી 2026 દરમ્યાન માર્ગ રામપુરા-વડલા ગામ ખાતે આયોજિત જિલ્લા રેલી કેમ્પમાં ઉત્તમ પ્રદર્શન કરી સંસ્થાનું નામ ગૌરવપૂર્વક ઉજાગર કર્યું છે. જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓની હાજરી વચ્ચે યોજાયેલ આ કેમ્પમાં સ્પર્ધાત્મક અને શિસ્તબદ્ધ વાતાવરણ વચ્ચે સ્વસ્તિકના વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા, તાલીમ અને ટીમવર્કનું અનોખું પ્રદર્શન કર્યું હતું.
કેમ્પ દરમિયાન કેમ્પફાયર, માર્ચપાસ્ટ, ફિઝિકલ ડિસ્પ્લે, પ્રાથમિક સારવાર, પાયોનિયરિંગ અને છાવણી સજાવટ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં સ્વસ્તિકના સ્કાઉટ અને ગાઈડ વિંગે અનેક પ્રથમ અને તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યા હતા. સ્કાઉટ વિંગે કેમ્પફાયર, માર્ચપાસ્ટ, ફિઝિકલ ડિસ્પ્લે અને પાયોનિયરિંગ જેવી સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન હાંસલ કરીને પોતાની શક્તિ અને શિસ્તનો પરિચય આપ્યો હતો, જ્યારે ગાઈડ વિંગે પ્રાથમિક સારવારમાં પ્રથમ અને અન્ય કેટલાંક વિભાગોમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરી ઉત્તમ પ્રદર્શન નોંધાવ્યું હતું. આ તમામ સિદ્ધિઓ વિદ્યાર્થીઓની અવિરત મહેનત, નિયત તાલીમ અને માર્ગદર્શકશ્રીઓના સમર્પિત માર્ગદર્શનનું પ્રતિબિંબ છે.
વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપનાર જીતુભાઈ પટેલ અને છાયાબેન પ્રજાપતિના પ્રયત્નો અને પ્રેરણાદાયી નેતૃત્વથી ટીમે આ સફળતા હાંસલ કરી છે. સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પટેલ, આચાર્ય રવિભાઈ મેણાત, મહેશભાઈ પટેલ તથા ઉપાચાર્ય રંજનબેન પટેલે તમામ વિજેતા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવી તેમની ભવિષ્યની પ્રગતિ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
જિલ્લા કક્ષાએ પ્રાપ્ત થયેલી આ ગૌરવપૂર્ણ સફળતા સમગ્ર સંસ્થા માટે ગર્વની ક્ષણ બની છે. સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સ્કાઉટ-ગાઈડ ક્ષેત્રે સતત પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે અને આવનારા સમયમાં જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ વધુ ઊંચી સિદ્ધિઓ પ્રાપ્ત કરશે તેવી વિશ્વાસભરી આશા વ્યક્ત કરવામાં આવી છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
