ગુજકેટ-૨૦૨૫ પરીક્ષા શાંતિમય વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મિહિર પટેલ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું
(માહિતી બ્યુરો, પાલનપુર)
બનાસકાંઠા જિલ્લામાં આગામી તા. ૨૩/૦૩/૨૦૨૫ (રવિવાર) ના રોજ યોજાનાર ગુજકેટ-૨૦૨૫ની પરીક્ષા શાંત અને સ્વચ્છ વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મિહિર પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
જેમાં (૧) પરીક્ષા કેન્દ્રોની અંદર અને તેની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજ્યા વિસ્તારમાં બિનઅધિકૃત વ્યક્તિઓ પ્રવેશ કરી શકશે નહીં. (૨) પરીક્ષા કેન્દ્રથી ૫૦૦ મીટરના વિસ્તારમાં તમામ ઝેરોક્સ (ફોટોકૉપી) દુકાનો બંધ રાખવાની રહેશે. (૩) કોઈપણ વ્યક્તિ કોઈપણ તરકીબ દ્વારા પરીક્ષાર્થીઓને નકલ કરવા કે કરાવવા માટે મદદ કરી શકશે નહીં. (૪) પરીક્ષા સંબંધિત ચોરી શક્ય થાય તેવા કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણો, પુસ્તકો, ઝેરોક્સ નકલ, કે અન્ય સાધનો પરીક્ષા કેન્દ્ર વિસ્તારમાં લઈ જવા કે ઉપયોગ કરવા પર પ્રતિબંધ રહેશે. (૫) પેજર, સેલ્યુલર ફોન, સ્માર્ટ વોચ, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ, વોકી-ટોકી, કે અન્ય આધુનિક સંદેશાવ્યવહારના સાધનો કે ઈલેક્ટ્રોનિક ઉપકરણો પરીક્ષા કેન્દ્રમાં લઈ જવા કે ઉપયોગ કરવા પર પ્રતિબંધ રહેશે. (૬) પરીક્ષા કેન્દ્રો નજીક શાંતિભંગ કે અવ્યવસ્થા ફેલાવનારા કોઈપણ કૃત્યો પર પ્રતિબંધ રહેશે.
આ જાહેરનામું બનાસકાંઠા જિલ્લાના તમામ ગુજકેટ-૨૦૨૫ પરીક્ષા કેન્દ્રો તથા તેની હદ મર્યાદાથી ૧૦૦ મીટરની ત્રિજ્યા વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામું તા. ૨૩/૦૩/૨૦૨૫ ના રોજ સવાર ૧૦:૦૦ કલાકથી બપોર ૪:૦૦ કલાક સુધી અમલમાં રહેશે.
આ આદેશ અધિકૃત પરીક્ષાર્થીઓ કે પરીક્ષા સ્ટાફ (સંયોજક, કક્ષાની નિરીક્ષકો, સ્કવોડ અધિકારીશ્રીઓ, બોર્ડ પ્રતિનિધિઓ, સરકારી પ્રતિનિધિઓ) લાગુ પડતો નથી. આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર રહેશે. આ જાહેરનામાની અમલવારી માટે પોલીસ અધિક્ષકશ્રીના દરજ્જાથી હેડ કોન્સ્ટેબલ સુધીના તમામ પોલીસ અધિકારીઓ તથા પરીક્ષા કેન્દ્ર નિયામક, સ્કવોડ અધિકારીઓ, ઇન્વીજીલેટર્સ અને સરકારી પ્રતિનિધિઓ અધિકૃત રહેશે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply