ડીસામાં ‘મે. સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સ’ પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો દરોડો

ડીસામાં ‘મે. સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સ’ પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો દરોડો

રૂ. 1.22 લાખની કિંમતનો 188 લિટર શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો; લાયસન્સ વગર સંગ્રહનો મામલો સામે આવ્યો

પવન એક્સપ્રેસ | ડીસા

બનાસકાંઠા જિલ્લામાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડો પાડી રૂ. 1,22,000ની બજાર કિંમતનો 188 લિટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો.

મળતી માહિતી મુજબ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, બનાસકાંઠાની ટીમે ડીસાના રીસાલા બજાર વિસ્તારમાં શાંતિ એપાર્ટમેન્ટની નીચે આવેલા ‘મે. સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સ’ના ગોડાઉનમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પેઢીના માલિક વિપુલભાઈ જયંતિલાલ પંચીવાલા પાસે માન્ય લાયસન્સ કે પરવાના વિના શંકાસ્પદ ઘીનો જથ્થો સંગ્રહિત હોવાની બાબત સામે આવી હતી.

ઘીના નમૂના તપાસ માટે સરકારી લેબોરેટરીમાં મોકલાયા

ગોડાઉનમાં સંગ્રહિત ઘીની ગુણવત્તા અંગે શંકા જણાતાં અધિકારીઓએ ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006’ હેઠળ ‘હેલ્થ પ્રીમિયમ પ્યોર ઘી’ના 500 મિલીલીટરના પેકમાંથી નિયમાનુસાર નમૂનો લીધો હતો. આ નમૂનો ગુણવત્તાની ચકાસણી માટે સરકારી લેબોરેટરીમાં ફૂડ એનાલિસ્ટ પાસે મોકલવામાં આવ્યો છે.

નમૂનો લીધા બાદ સ્થળ પરથી અંદાજે રૂ. 1.22 લાખની કિંમતનો 188 લિટર શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. ઘીની ગુણવત્તા અંગેનો અંતિમ નિર્ણય લેબોરેટરીના તપાસ અહેવાલ બાદ જ સ્પષ્ટ થશે.

પેઢી સામે કાયદેસરની કાર્યવાહી

આ મામલે સંબંધિત પેઢીના માલિક વિરુદ્ધ ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006’ની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખાદ્ય પદાર્થોના સંગ્રહ અને વેચાણમાં નિયમોનું પાલન કરાવવાની કામગીરી ચાલુ રહેશે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થવાની શક્યતા અટકાવવા માટે શંકાસ્પદ ખાદ્ય પદાર્થો સામે તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પવન એક્સપ્રેસ – પવનવેગે પ્રસરતા સમાચાર


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading