પાલનપુર RTO દ્વારા ટુ-વ્હીલરની નવી સિરીઝ ‘GJ-08-EG’ના પસંદગીના નંબરો માટે ઈ-ઓક્શન જાહેર

પાલનપુર RTO દ્વારા ટુ-વ્હીલરની નવી સિરીઝ ‘GJ-08-EG’ના પસંદગીના નંબરો માટે ઈ-ઓક્શન જાહેર

ગોલ્ડન અને સિલ્વર નંબર મેળવવા ૨૧ ઓક્ટોબરથી ઓનલાઇન અરજી શરૂ થશે; ૨૩થી ૨૫ ઓક્ટોબર દરમિયાન ઈ-ઓક્શન પ્રક્રિયા યોજાશે

પવન એક્સપ્રેસ

પાલનપુર: પાલનપુર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) દ્વારા ટુ-વ્હીલર વાહનોની નવી રજિસ્ટ્રેશન સિરીઝ GJ-08-EGના પસંદગીના ગોલ્ડન અને સિલ્વર નંબરોની ફાળવણી માટે ઓનલાઇન ઈ-ઓક્શન જાહેર કરવામાં આવ્યું છે. વાહનચાલકો પોતાની પસંદગીનો આકર્ષક નંબર મેળવવા માટે ૨૧ ઓક્ટોબર, ૨૦૨૬થી ઓનલાઇન અરજી કરી શકશે.

પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, પાલનપુર દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી મુજબ, પસંદગીના નંબરોની ફાળવણી ‘વાહન ૪.૦’ પોર્ટલ મારફતે ઈ-ઓક્શન દ્વારા કરવામાં આવશે. ગોલ્ડન અને સિલ્વર નંબરોની બેઝ પ્રાઇસ, રજિસ્ટ્રેશન ટેક્સ તથા CNA ફોર્મ સંબંધિત મૂળભૂત નિયમો યથાવત રાખવામાં આવ્યા છે.

આ રહેશે ઈ-ઓક્શનનું સમયપત્રક

  • ઓનલાઇન અરજી: ૨૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સાંજે ૪:૦૦ વાગ્યાથી ૨૩ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ બપોરે ૩:૫૯:૫૯ વાગ્યા સુધી.
  • ઈ-ઓક્શન બિડિંગ: ૨૩ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સાંજે ૪:૦૦ વાગ્યાથી ૨૫ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ બપોરે ૩:૫૯:૫૯ વાગ્યા સુધી.
  • અંતિમ પરિણામ: ૨૫ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સાંજે ૪:૦૦ વાગ્યે જાહેર કરવામાં આવશે.

ડાયનેમિક બિડિંગથી બોલીની રકમ વધારી શકાશે

આ વખતે ઓનલાઇન હરાજી ડાયનેમિક ઓક્શન પદ્ધતિથી યોજાશે. અરજદારો હરાજી દરમિયાન નિર્ધારિત સમયગાળામાં પોતાની બોલીની રકમમાં રૂ. ૧,૦૦૦ના ગુણાંકમાં વધારો કરી શકશે. આ રીતે અરજદારોને પસંદગીનો નંબર મેળવવા માટે બિડિંગમાં ભાગ લેવાની તક મળશે.

કેવી રીતે કરવી ઓનલાઇન અરજી?

ઈ-ઓક્શનમાં ભાગ લેવા ઇચ્છુક અરજદારોએ પરિવહન વિભાગની સત્તાવાર વેબસાઇટ parivahan.gov.in પર નોંધણી કરાવી યુઝર આઈડી અને પાસવર્ડ તૈયાર કરવાના રહેશે. ત્યારબાદ વાહન ખરીદીના સાત દિવસની અંદર પોર્ટલ પર લોગિન કરીને ઓનલાઇન CNA ફોર્મ ભરવાનું રહેશે.

પસંદગીના ગોલ્ડન અથવા સિલ્વર નંબર માટે નિયત બેઝ પ્રાઇસ ઉપરાંત RBI દ્વારા નિયત દરે લાગુ પડતા ચાર્જની ચુકવણી કરીને હરાજીમાં ભાગ લઈ શકાશે. આ અંગેની વધુ માહિતી પાલનપુર RTO કચેરીના નોટિસ બોર્ડ અને રજિસ્ટ્રેશન શાખામાં ઉપલબ્ધ ‘APPENDIX-A’માંથી મેળવી શકાશે.

સફળ અરજદારે પાંચ દિવસમાં બાકી રકમ ભરવાની રહેશે

હરાજી પૂર્ણ થયા બાદ સફળ અરજદારોને SMS અથવા ઈ-મેઇલ મારફતે જાણ કરવામાં આવશે. સફળ અરજદારે પરિણામ જાહેર થયાના પાંચ દિવસની અંદર બાકી રહેતી રકમ જમા કરાવવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદામાં ચુકવણી નહીં કરવામાં આવે તો જમા કરાવેલી મૂળ રકમ જપ્ત થઈ શકે છે અને તે નંબરની ફરીથી હરાજી કરવામાં આવશે.

બીજી તરફ, હરાજીમાં અસફળ રહેલા અરજદારોને તેમણે નેટ બેન્કિંગ અથવા ડેબિટ/ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવેલી મૂળ રકમ SBI-ePay મારફતે તે જ ચુકવણી માધ્યમ સાથે જોડાયેલા ખાતામાં પરત કરવામાં આવશે.

આમ, પાલનપુર RTOની નવી ટુ-વ્હીલર સિરીઝ GJ-08-EGમાં પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહનચાલકોએ નિર્ધારિત સમયમર્યાદા અને નિયમોનું ધ્યાન રાખી ઓનલાઇન પ્રક્રિયામાં ભાગ લેવા અખબારી યાદીમાં જણાવાયું છે.

— પવન એક્સપ્રેસ, પાલનપુર


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading