ગુજરાતમાં રેશનકાર્ડ ધારકોને દિવાળી પર્વ નિમિત્તે મળશે સિંગતેલ અને ખાંડ
દિવાળી પર્વ નિમિત્તે રાજ્ય સરકારે રેશનકાર્ડ દીઠ 1 લિટર ડબલ ફિલ્ટર્ડ સિંગતેલ અને વધારાની 1 કિલો ખાંડ વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. ઓક્ટોબર માસમાં જ મોટાભાગનો જથ્થો વાજબી ભાવની દુકાનો સુધી પહોંચાડી દેવાયો છે.
આવતા મહિને આવનારા દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે રેશનકાર્ડ ધારકોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. દિવાળીના તહેવાર નિમિત્તે અપાતા રાશનના જથ્થાનું વિતરણ ચાલુ ઓક્ટોબર માસમાં જ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ આગોતરા આયોજનથી રાજ્યના લાખો કાર્ડધારકોને તહેવારની ઉજવણીમાં મોટી રાહત મળશે.
કાર્ડદીઠ 1 લીટર સિંગતેલ અને કુલ 2 કિલો ખાંડનું વિતરણ
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, વાજબી ભાવની દુકાનો પર સિંગતેલ અને ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્ડદીઠ 1 લીટર ડબલ ફિલ્ટર્ડ સિંગતેલ તથા 1 કિલો વધારાની ખાંડ એટલે કે કુલ 2 કિલો ખાંડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
96 ટકાથી વધુ રાશનનો જથ્થો દુકાનો પર પહોંચ્યો
વિતરણ વ્યવસ્થાની વિસ્તૃત વિગતો આપતા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી પી.સી. બરંડાએ કહ્યું હતું કે, પુરવઠા નિગમ દ્વારા અંદાજે 2 લાખ મેટ્રિક ટન રાશન પૈકી 1.95 લાખ મેટ્રિક ટન જેટલો જથ્થો વાજબી ભાવની દુકાનો સુધી પહોંચાડી દેવાયો છે. ટકાવારી મુજબ ઘઉં, ચોખા, ચણા અને ખાંડનો 98 ટકા, તુવેરદાળનો 97 ટકા, ડબલ ફોર્ટીફાઇડ મીઠાનો 90 ટકા અને ડબલ ફિલ્ટર્ડ સિંગતેલનો 93 ટકા જથ્થો દુકાનો પર પહોંચી ગયો છે. વાજબી ભાવની દુકાનોના સંચાલકો દ્વારા આ એડવાન્સ જથ્થાનું વિતરણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેને નાગરિકો તરફથી ભારે હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.
વડોદરામાં તેલના વિતરણની કામગીરી પૂરજોશમાં રાજ્ય મંત્રીએ વડોદરા શહેરની કામગીરીનો ખાસ ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે, વડોદરા ખાતે તેલ વિતરણ માટે ફાળવાયેલા કુલ 2,27,790 તેલના પાઉચ પૈકી 2,12,660 (એટલે કે 93.34 ટકા) પાઉચ સંબંધિત દુકાનો સુધી પહોંચી ગયા છે. જ્યારે બાકી રહેતા 15,130 પાઉચ સત્વરે વડોદરા પહોંચાડવાની કામગીરી ગતિમાં છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
