કોમી એકતાનો અનોખો સંદેશ : મુસ્લિમ ઉદ્યોગપતિ પરિવાર દ્વારા અંબાજીના પદયાત્રીઓ માટે ભવ્ય સેવા કેમ્પ
શમશેરપુરા નજીક છેલ્લા ત્રણ વર્ષથી અંબાજીના માઈભક્તોની નિઃશુલ્ક સેવા; વિશ્રામ, ચા-નાસ્તો અને શુદ્ધ પીવાના પાણી સહિતની સુવિધાઓ
પવન એક્સપ્રેસ | વડગામ
તસવીર અહેવાલ : પુષ્કર ગોસ્વામી, વડગામ
વડગામ: બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના શમશેરપુરા ગામ નજીક છેલ્લા ત્રણ વર્ષથી કોમી એકતા અને ધાર્મિક સદભાવનાનો અનોખો સંદેશ આપતી સેવા પરંપરા જોવા મળી રહી છે. ભાદરવી પૂનમના મેળા નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી તરફ પગપાળા જતા માઈભક્તો માટે અહીં ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
આ સેવા કેમ્પનું આયોજન જાણીતા મુસ્લિમ ઉદ્યોગપતિ મર્હુમ ઇબ્રાહીમ દાઉદ રાજેડીયાના સેવાભાવી સંસ્કારોને આગળ ધપાવતા તેમના પરિવાર દ્વારા કરવામાં આવે છે. EDR પરિવાર, EDR ગ્રુપ, લીક-પ્રૂફ એન્જીનિયરીંગ (ઇ) પ્રા. લિ., લીક-પ્રૂફ કાસ્ટ (ઇ) પ્રા. લિ. તથા હદીદ એન્જીનિયરીંગ (ઇ) પ્રા. લિ. પરિવાર દ્વારા સતત ત્રણ વર્ષથી આ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.
પદયાત્રીઓ માટે નિઃશુલ્ક સેવા
અંબાજી તરફ પગપાળા જતા માઈભક્તો માટે સેવા કેમ્પમાં વિશ્રામની વ્યવસ્થા, ચા, નાસ્તો અને શુદ્ધ પીવાનું પાણી સહિતની વિવિધ સુવિધાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. લાંબી પદયાત્રા કરીને આવતા શ્રદ્ધાળુઓનું સેવા કેમ્પના સેવાભાવી પરિવારજનો દ્વારા આત્મીયતા અને આદરપૂર્વક સ્વાગત કરવામાં આવે છે.
કોમી એકતા અને ભાઈચારાનું ઉદાહરણ
ધાર્મિક આસ્થાના આ પર્વ દરમિયાન મુસ્લિમ ઉદ્યોગપતિ પરિવાર દ્વારા હિન્દુ શ્રદ્ધાળુઓ માટે કરવામાં આવતી નિઃસ્વાર્થ સેવા કોમી એકતા, ધાર્મિક સદભાવના અને પરસ્પર ભાઈચારાનો સંદેશ આપે છે. વિવિધ ધર્મ અને સમાજના લોકો વચ્ચે સેવા અને માનવતાના સંબંધોને મજબૂત બનાવતી આ પહેલ સ્થાનિક સ્તરે પણ ચર્ચાનું કેન્દ્ર બની છે.
છેલ્લા ત્રણ વર્ષથી સતત ચાલી રહેલી આ સેવાકીય પ્રવૃત્તિને પદયાત્રીઓ તથા સ્થાનિક અગ્રણીઓ દ્વારા આવકારવામાં આવી રહી છે. રાજેડીયા પરિવાર દ્વારા સેવા અને માનવતાને કેન્દ્રમાં રાખીને કરવામાં આવતી આ પહેલ સમાજ માટે સદભાવનાનો સુંદર સંદેશ આપી રહી છે.
પવન એક્સપ્રેસ | વડગામ
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
