વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ: “જિંદગી ના મિલેગી દોબારા” હેલ્પલાઇનથી ૧૦૧૧ વ્યક્તિઓને મળ્યું જીવનનું નવું પ્રેરણાબળ

વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ: “જિંદગી ના મિલેગી દોબારા” હેલ્પલાઇનથી ૧૦૧૧ વ્યક્તિઓને મળ્યું જીવનનું નવું પ્રેરણાબળ

જનસેવા એ જ પ્રભુસેવા ગ્રૂપ પાલનપુરની અનોખી પહેલ; પાંચ વર્ષથી નિઃશુલ્ક કાઉન્સેલિંગ અને માર્ગદર્શન સેવા

પવન એક્સપ્રેસ | પાલનપુર

પાલનપુર: દર વર્ષે ૧૦ સપ્ટેમ્બરે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જીવન અમૂલ્ય છે અને મુશ્કેલીના સમયમાં યોગ્ય વ્યક્તિનું માર્ગદર્શન તથા સમયસર મળતી મદદ કોઈનું જીવન બચાવી શકે છે, તેવો સંદેશ આપતી અનોખી સેવા પાલનપુરમાં છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે.

જનસેવા એ જ પ્રભુસેવા ગ્રૂપ, પાલનપુર દ્વારા “જિંદગી ના મિલેગી દોબારા – આત્મહત્યાને કહો ના” સેવા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં આ હેલ્પલાઇનના માધ્યમથી ૧૦૧૧ વ્યક્તિઓનું સફળ કાઉન્સેલિંગ કરીને તેમને આત્મહત્યાના વિચારમાંથી બહાર લાવવામાં મદદ કરવામાં આવી હોવાનો સંસ્થાનો દાવો છે.

એક ઘટનામાંથી જન્મ્યો સેવાકીય સંકલ્પ

આ સેવા પાછળની પ્રેરણાદાયી ઘટના આશરે પાંચ વર્ષ અગાઉની છે. રાજુ નામના એક યુવકને ઘરકંકાસના કારણે ડિપ્રેશનનો સામનો કરવો પડ્યો હતો. તેણે મદદની આશામાં પોતાના ત્રણ મિત્રોને ફોન કર્યો હતો, પરંતુ સંજોગોવશાત કોઈ મિત્રનો ફોન ન ઉપડતાં તેણે પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.

આ ઘટનાથી પ્રેરણા લઈને મુશ્કેલીમાં મુકાયેલા લોકોને સમયસર સાંભળવા, સમજવા અને મદદ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. જનસેવા એ જ પ્રભુસેવા ગ્રૂપના પ્રમુખ શ્રી જયેશભાઈ સોનીના જન્મદિવસ નિમિત્તે તા. ૯ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ આ સેવા હેલ્પલાઇનની શરૂઆત કરવામાં આવી હતી.

આ સેવાકાર્યમાં માતૃશ્રી હીરાબા ચેરીટેબલ ટ્રસ્ટ, ડો. પ્રકાશભાઈ મોદી તથા ગ્રૂપના સેવાભાવી મિત્રોનો સહયોગ રહ્યો છે.

વિવિધ પરિસ્થિતિમાં લોકો સુધી પહોંચે છે મદદ

હેલ્પલાઇન પર ઘરેલુ કંકાસ, પ્રેમસંબંધમાં મુશ્કેલી અથવા વિયોગ, આર્થિક સમસ્યા, બેકારી, અભ્યાસમાં ઓછા ગુણ, પરીક્ષામાં નિષ્ફળતા, માતા-પિતા કે વડીલોનો ઠપકો, શારીરિક બીમારી તથા માનસિક તકલીફ સહિતની વિવિધ સમસ્યાઓને કારણે માનસિક સંઘર્ષ અનુભવતા લોકો સંપર્ક કરે છે.

હેલ્પલાઇનના અનુભવી ડોક્ટરો અને કાઉન્સેલરો દ્વારા વ્યક્તિની વાત ધ્યાનપૂર્વક સાંભળી યોગ્ય માર્ગદર્શન અને કાઉન્સેલિંગ આપવામાં આવે છે. જરૂરિયાત મુજબ ફોન પર વાતચીત ઉપરાંત રૂબરૂ મુલાકાત, વીડિયો કોલિંગ, ઝૂમ મીટિંગ અને ગૂગલ મીટ જેવા માધ્યમોનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

સંસ્થાના જણાવ્યા મુજબ જરૂરિયાત ધરાવતા લોકોને કાઉન્સેલિંગ, તબીબી માર્ગદર્શન તથા હોસ્પિટલમાં દાખલ થવા માટેની સહાય સહિતની સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે.

“જીવન અમૂલ્ય છે, મુશ્કેલીમાં મદદ માંગવી એ જ હિંમત છે”

વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે જનસેવા એ જ પ્રભુસેવા ગ્રૂપ દ્વારા લોકોને સંદેશ આપવામાં આવ્યો છે કે મુશ્કેલી ગમે તેટલી મોટી હોય, જીવનનો અંત તેનો ઉકેલ નથી. કોઈ વ્યક્તિ માનસિક તણાવ કે ગંભીર મુશ્કેલીમાંથી પસાર થતી હોય તો પરિવારજનો, મિત્રો અથવા વિશ્વાસુ વ્યક્તિ સાથે વાત કરવી અને જરૂરી હોય ત્યારે નિષ્ણાતની મદદ લેવી જોઈએ.

આ સેવાકીય હેલ્પલાઇનમાં જયેશભાઈ સોની, ડો. પ્રકાશભાઈ મોદી, ડો. સુરേന്ദ്ര ગુપ્તા, ધ્રુવ ગુપ્તા, ડો. હેમેન્દ્રભાઈ જોશી, ડો. પ્રવીણભાઈ પટેલ, પરેશભાઈ પટેલ, ડો. ભરતભાઈ વૈધ, ગોવિંદભાઈ ગેલોત, ડો. જીતલ સોલંકી, મિતલ જાદવ, પરેશ પટેલ, રાજેશભાઈ મોદી, શિલ્પાબેન, આશાબેન, રાજુભાઈ પરમાર, ભાઈચંદભાઈ પટેલ, અહેમદભાઈ હાડા, વિશ્વેશભાઈ જોષી, પવનભાઈ પ્રજાપતિ, સ્નેહલબેન રાવલ, મહેન્દ્રભાઈ મોદી સહિતના સેવાભાવી મિત્રો પોતાની સેવાઓ આપી રહ્યા છે.

નિઃશુલ્ક હેલ્પલાઇન

મુશ્કેલીના સમયમાં વાત કરવા અથવા કાઉન્સેલિંગ માટે સંપર્ક:

📞 ૯૮૨૪૯૩૨૫૦૬

“વાત કરો, મદદ લો અને જીવનને એક વધુ તક આપો.”

પવન એક્સપ્રેસ | પાલનપુર


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading