બનાસકાંઠામાં અનધિકૃત ફ્યુઅલ વેચાણ પોઇન્ટ સામે જિલ્લા વહીવટી તંત્રની તવાઈ



વડગામના 5 અને દાંતા તાલુકાના 1 ગામમાં તપાસ હાથ ધરી વેચાણ પોઇન્ટ સીલ કરાયા
શંકાસ્પદ પ્રવાહી પદાર્થના નમૂના ગાંધીનગરની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાયા
પાલનપુર | પવન એક્સપ્રેસ
બનાસકાંઠા જિલ્લામાં બિનપરવાનગીએ ફ્યુઅલ તથા અન્ય પ્રવાહી પદાર્થોના વેચાણ પોઇન્ટ ચલાવવામાં આવતા હોવાની રજૂઆતને પગલે જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવેલી રજૂઆતના આધારે જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગોની ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન વડગામ તાલુકાના છનીયાણા, ઘોડિયાળ, કાલેડા, કોદરામ અને વેસા તેમજ દાંતા તાલુકાના વજાસણા ગામે અનધિકૃત ફ્યુઅલ/પ્રવાહી પદાર્થના વેચાણ પોઇન્ટની તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન સંબંધિત સંચાલકો દ્વારા ફ્યુઅલ અથવા પ્રવાહી પદાર્થના વેચાણ માટે જરૂરી અધિકૃત દસ્તાવેજો અને પરવાનગીઓ રજૂ કરવામાં ન આવતા સંબંધિત વેચાણ પોઇન્ટને સીલ કરી દેવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
🔬 શંકાસ્પદ પ્રવાહીના નમૂના લેબોરેટરીમાં મોકલાયા
પુરવઠા વિભાગ દ્વારા તપાસ દરમિયાન મળી આવેલા પ્રવાહી પદાર્થના નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને વૈજ્ઞાનિક પરીક્ષણ માટે ગાંધીનગર સ્થિત લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરીના પરીક્ષણના પરિણામો તથા સમગ્ર તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ કાર્યવાહી દરમિયાન UGVCL, Industrial Safety, માપ-તોલ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, ફાયર વિભાગ, GST (VAT) અને શ્રમ વિભાગ સહિતના સંબંધિત વિભાગોને પણ તેમના અધિકારક્ષેત્ર હેઠળ જરૂરી તપાસ તથા કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
⚠️ નાગરિકોને તંત્રની મહત્વપૂર્ણ અપીલ
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, પોતાના વાહનોમાં બળતણ ભરાવવા માટે માત્ર અધિકૃત અને પરવાનાધારક પેટ્રોલ પંપનો જ ઉપયોગ કરવો. અનધિકૃત રીતે ફ્યુઅલ કે અન્ય પ્રવાહી પદાર્થનું વેચાણ કરતા સ્થળેથી બળતણ ખરીદવાનું ટાળવું.
જો કોઈ સ્થળે અનધિકૃત રીતે ફ્યુઅલ અથવા પ્રવાહી પદાર્થનું વેચાણ થતું હોવાનું ધ્યાનમાં આવે તો તેની જાણ સંબંધિત સરકારી તંત્રને કરવી, તેવી પણ જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.
📰 પવન એક્સપ્રેસ
તંત્રી શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ (પવન)
📱 મો. 9998579515
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
