મહેસાણામાં જુગારના આરોપીઓને ‘ન મારવા’ રૂ. 83 હજારની લાંચ લેતા કોન્સ્ટેબલ અને વચેટિયો ઝડપાયા
સતલાસણા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ કાનજી ચૌધરી અને તેના સાગરીતને ACBએ રંગેહાથ ઝડપી લીધા
પવન એક્સપ્રેસ | મહેસાણા
મહેસાણા, તા. 1 સપ્ટેમ્બર: મહેસાણા જિલ્લાના સતલાસણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અને તેના સાગરીતને રૂ. 83,000ની લાંચ લેતા એન્ટી-કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા છે. જુગારના કેસમાં પોલીસ સ્ટેશનમાં હાજર થવા આવતા આરોપીઓને માર ન મારવાના બદલામાં લાંચની માંગ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે.
જુગાર કેસમાં ‘માર ન મારવા’ રૂ. 1 લાખની માંગ
ACBની ફરિયાદ મુજબ, ફરિયાદી સહિત કેટલાક લોકો સામે સતલાસણા પોલીસ સ્ટેશનમાં જુગારનો કેસ નોંધાયો હતો. આ કેસના સંદર્ભમાં આરોપીઓએ પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું હતું.
આ દરમિયાન સતલાસણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ કાનજી ચૌધરીએ ફરિયાદીનો સંપર્ક કરી પોલીસ સ્ટેશનમાં હાજરી વખતે માર ન મારવા બદલ રૂ. 1 લાખની લાંચની માંગણી કરી હતી. બાદમાં વાટાઘાટોના અંતે લાંચની રકમ રૂ. 83,000 નક્કી કરવામાં આવી હતી અને 31 ઓગસ્ટના રોજ રકમ આપવાનું નક્કી થયું હતું.
1064 હેલ્પલાઇન પર ફરિયાદ, ACBએ ગોઠવ્યું છટકું
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBની ટોલ-ફ્રી હેલ્પલાઇન 1064 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે અમદાવાદ ACB ફિલ્ડ-3ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી. બી. મહેતા અને તેમની ટીમે 31 ઓગસ્ટના રોજ છટકું ગોઠવ્યું હતું.
સતલાસણામાં સૂરજ કોમ્પ્લેક્સ સામેના જાહેર માર્ગ પર એક મિત્રની કારમાં આરોપીઓ લાંચની રકમ લેવા પહોંચ્યા હતા. તે સમયે કોન્સ્ટેબલ કાનજી ચૌધરી અને તેનો સાગરીત આશિષ ચૌધરી, રહે. નવાવાસ-રાજપુર, સતલાસણા, ફરિયાદી પાસેથી રૂ. 83,000 સ્વીકારતા જ ACBની ટીમે બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા.
સ્થળ પરથી લાંચની સંપૂર્ણ રકમ રિકવર
ACBની ટીમે ઘટનાસ્થળેથી લાંચની રૂ. 83,000ની સંપૂર્ણ રકમ રિકવર કરી હતી. બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કોન્સ્ટેબલ કાનજી ચૌધરી અગાઉ પણ આવા કોઈ ભ્રષ્ટાચારના કિસ્સામાં સંડોવાયેલો હતો કે કેમ તે સહિતની બાબતો અંગે ACB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
