બનાસકાંઠા: પ્રગતિનો પ્રવેશોત્સવ
જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ધાનેરા તાલુકાની વાછોલ, બાપલા અને રવિ પ્રાથમિક શાળા ખાતે ભૂલકાંઓને શાળામાં પ્રવેશ કરાવ્યો
સરકારશ્રીની પહેલોથી શિક્ષણનું સ્તર સતત સુધરી રહ્યું છે: કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે જરૂરી: કલેક્ટરશ્રી મિહિર પટેલ
શિક્ષણના મહાપર્વ સમાન ત્રિ- દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬નો બનાસકાંઠા જિલ્લામાં ઉત્સાહ, ઉમંગ અને જનભાગીદારી સાથે પ્રારંભ થયો છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ મહોત્સવના પ્રથમ દિવસે ધાનેરા તાલુકાની વાછોલ, બાપલા અને રવિ પ્રાથમિક શાળાઓમાં વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને તથા ધાનેરાના ધારાસભ્યશ્રી માવજીભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં બાલવાટિકા અને ધોરણ-૧માં પ્રવેશ મેળવનારા બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલે જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા શિક્ષણ ક્ષેત્રે અનેક નવીન પહેલો હાથ ધરવામાં આવી છે, જેના પરિણામે શાળાઓમાં માળખાકીય સુવિધાઓ, ડિજિટલ શિક્ષણ અને ગુણવત્તાયુક્ત અભ્યાસનું સ્તર સતત સુધરી રહ્યું છે. કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે શિક્ષણ વિભાગ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને ગ્રામજનોના સહયોગથી વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોને શાળાના વિકાસમાં સક્રિય ભાગીદાર બનવા અને શિક્ષણની ગુણવત્તા વધારવામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ વ્યક્તિ, પરિવાર અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસનું મજબૂત આધારસ્તંભ છે. રાજ્ય સરકાર દ્વારા દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ થાય તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શાળા પ્રવેશોત્સવ થકી શિક્ષણ પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવાનો અને દરેક બાળકને શિક્ષણ સાથે જોડવાનું એક જનઆંદોલન છે. તેમણે વાલીઓને પોતાના બાળકોના નિયમિત અભ્યાસ, હાજરી અને સર્વાંગી વિકાસ માટે સતત પ્રોત્સાહન આપવાની અપીલ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. તેમણે શાળાના વિવિધ વર્ગખંડો, સ્માર્ટ ક્લાસરૂમ, પુસ્તકાલય, રમતગમતની સુવિધાઓ તથા અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. આ ઉપરાંત શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના ભાગરૂપે એસ.એમ.સી.ના સભ્યો, શિક્ષકો અને ગ્રામજનો સાથે બેઠક યોજી શાળાના વિકાસ, વિદ્યાર્થીઓની નિયમિત હાજરી, ડ્રોપઆઉટ દર ઘટાડવા તેમજ શિક્ષણની ગુણવત્તા વધારવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ ગ્રામજનોને શિક્ષણને પ્રાથમિકતા આપવા અને દરેક બાળકને શાળામાં દાખલ કરી તેના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ,આચાર્યશ્રી, શિક્ષકો, એસ.એમ.સી.ના સભ્યો, વાલીઓ, ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.

